Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ભણવા માટે મળશે પૈસાઃ ઈદ નિમિત્તે મોદી સરકારની મુસ્લિમ છાત્રોને મહાગીફટ

પાંચ વર્ષમાં પાંચ કરોડ વિદ્યાર્થીઓને 'પ્રધાનમંત્રી છાત્રવૃતિ' આપવાનું એલાનઃ લાભ લેવાની પ્રક્રિયા સરળ અને પારદર્શી બનાવવામાં આવી : મુસ્લિમ છોકરીઓને ભણવા માટે પ્રોત્સાહીત કરાશેઃ 'પઢો-બઢો' અભિયાન ચલાવાશેઃ મુસ્લિમોને રોજગાર ઉપલબ્ધ કરાવવા પણ પાંચ વર્ષનો રોડમેપ જાહેર કરાયો

નવી દિલ્હી, તા. ૫ : નરેન્દ્ર મોદી સરકારે ઈદના પવિત્ર તહેવારના દિવસે મુસ્લિમ યુવાઓને એક મોટી ભેટ આપી છે. આ ભેટ છે વાંચવા-ભણવા માટેની. કેન્દ્રીય લઘુમતિ બાબતના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાના મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આવતા પાંચ વર્ષમાં પાંચ કરોડ વિદ્યાર્થીઓને 'પ્રધાનમંત્રી છાત્રવૃતિ' આપવાનુ એલાન કર્યુ છે. ખાસ વાત એ છે કે આમાથી લગભગ અઢી કરોડ એટલે કે ૫૦ ટકા છાત્રાઓ હશે. આનો લાભ લેવાની પ્રક્રિયાને સરળ અને પારદર્શી બનાવવામાં આવેલ છે.

નકવીએ કહ્યુ છે કે વિકાસની ગાડીને વિશ્વાસના હાઈવે પર ઝડપથી દોડાવવા માટેની આવતા પાંચ વર્ષમાં અમારી પ્રાથમિકતા રહેશે કે જેથી દરેક જરૂરીયાતમંદ આંખોમાં ખુશી અને તેમના જીવનમાં સમૃદ્ધિ લાવી શકાય. વિશ્વાસના હાઈવે પર ન કોઈ સ્પીડબ્રેકર આવવા દેશુ કે ન તો કોઈ અડચણ આવવા દેશું. આ માટે આપણે ચોક્કસ અને એલર્ટ રહેવુ પડશે.

નકવીએ કહ્યુ હતુ કે, '૩-ઈ' એટલે કે એજ્યુકેશન, એમ્પ્લોઈમેન્ટ અને એમ્પાવરમેન્ટ અમારૂ લક્ષ્ય છે તે પુરૂ કરવા માટે અમે પરિશ્રમ કરી રહ્યા છીએ. મુસ્લિમ છોકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહીત કરવા માટે 'પઢો-બઢો' અભિયાન ચલાવવામાં આવશે. દૂર દૂરના વિસ્તારોમાં જ્યાં આર્થિક-સામાજિક કારણોથી લોકો છોકરીઓને શાળાએ નથી મોકલતા ત્યાં શૈક્ષણિક સંસ્થાઓમાં સુવિધાઓ ઉભી કરાશે અને સંશાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. ૧૦૦થી વધુ મોબાઈલ વેનના માધ્યમથી શિક્ષણ-રોજગાર સાથે જોડાયેલ સરકારી કાર્યક્રમોની માહિતી આપવા માટે દેશભરમાં અભિયાન ચલાવવામાં આવશે.

નકવીએ કહ્યુ હતુ કે રોજગારી ઉપર પણ પાંચ વર્ષનો રોડમેપ તૈયાર કરાયો છે. તેમણે કહ્યુ છે કે કારીગરો-શિલ્પકારોને રોજગાર સાથે જોડવા અને બજાર ઉપલબ્ધ કરાવવા માટે આવતા પાંચ વર્ષમાં દેશમાં ૧૦૦થી વધુ હુન્નરહાટનુ આયોજન કરાશે. સાથોસાથ સ્વદેશી પ્રોડકટની ઓનલાઈન વેચાણ થઈ શકે તે માટેની વ્યવસ્થા કરાશે. પાંચ વર્ષમાં ૨૫ લાખ નવયુવકોને રોજગાર - કૌશલ ઉપલબ્ધ કરાવાશે અને સાથોસાથ શીખો અને કમાવો, નઈ મંઝીલ, ગરીબ નવાઝ કૌશલ વિકાસ અને ઉસ્તાદ જેવા રોજગારલક્ષી વિકાસ કાર્યક્રમો શરૂ કરાશે.

(10:40 am IST)