Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

રેડ સિગ્નલ...સ્વસ્થ ભારતીયો પર બેઅસર થવા લાગી છે એન્ટીબાયોટિક

ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચનો ચોંકાવનારો રીપોર્ટઃ દરેક ૩ સ્વસ્થ ભારતીયોમાંથી ૨ ભારતીયો ઉપર એન્ટીબાયોટિક દવાઓ બેઅસર છે : ડોકટરો આ બાબતને ઘણી ગંભીર ગણી રહ્યા છેઃ ભવિષ્યમાં ઈલાજમાં મુશ્કેલી ઉભી થઈ શકે છેઃ ભારતીયો સામાન્ય બિમારીઓમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોવાથી આવુ બન્યુ

નવી દિલ્હી, તા. ૫ : મોટા ભાગના સ્વસ્થ ભારતીયો ઉપર એન્ટીબાયોટિક દવાઓ બેઅસર થવા લાગી છે. ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ તરફથી કરવામાં આવેલા સર્વેક્ષણમાં આ પ્રકારનું તારણ સામે આવ્યુ છે. સર્વેક્ષણ અનુસાર દરેક ૩ સ્વસ્થ ભારતીયોમાંથી ૨ ભારતીયો ઉપર એન્ટીબાયોટિક દવાઓ બેઅસર છે. સર્વેના તારણો દર્શાવે છે કે, ભારતીયોમાં વધુ માત્રામાં એન્ટીબાયોટિકનો પ્રયોગનુ પરિણામ હવે શરીર પર તેની બેઅસર હોવાના સ્વરૂપમાં જોવા મળેલ છે.

અભ્યાસમાં ૨૦૭ ભારતીયોના સ્ટુલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તમામ ૨૦૭ લોકોએ છેલ્લા એક મહિનામાં કોઈ એન્ટીબાયોટિકનો પ્રયોગ કર્યો ન હતો અને ન તો બિમાર પડયા હતા. પરીક્ષણમાં જણાયુ કે, ૨૦૭માંથી ૧૩૯ લોકો એવા હતા જેમના પર એન્ટીબાયોટિકની અસર નિષ્પ્રભાવી રહી હતી. ૧૩૯ લોકો એવા હતા જેમના પર એક અને એકથી વધુ એન્ટીબાયોટિકની અસર પડી નહોતી. બે એન્ટીબાયોટિક જેની ઉપયોગીતા વધુ હોય છે તે સેફલફોરીન્સ (૬૦ ટકા) અને ફલુઓરોકીયનોલોન્સ (૪૧.૫ ટકા)ની અસર થઈ ન હતી.

પીજીઆઈ ચંદીગઢમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ડો. પલ્લવ રે એ સ્ટડી પર જણાવ્યુ હતુ કે, આ તારણો ચોંકાવનારા છે અને તેને ચેતવણી તરીકે લેવા જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, આપણા અભ્યાસ સ્પષ્ટ કરે છે કે એન્ટીબાયોટિકનો પ્રયોગ જે અંધાધુંધ અને બીનઉપયોગી તરીકે કરાય છે જેની અસર માણસના શરીર પર ખોટી રીતે પડવા લાગી છે. અત્યારના તારણો એવા લાગે છે કે એન્ટીબાયોટિક બેઅસર થવાનુ સ્તર નીચલા સ્તરે છે, પરંતુ ભવિષ્યમાં જો સુધારો નહી થાય તો આ સ્તર ઘણું ઉંચે જઈ શકે છે.

આ સંશોધનમાં માત્ર બે ટકા લોકો જ એવા જણાયા જેમના પર એન્ટીબાયોટિકની અસર સંપૂર્ણ રીતે જોવા મળી હતી. ઈન્સ્ટીટયુટ ઓફ લીવર એન્ડ બાયલ્ટીના સાયન્સના ડોકટર એસ.કે. સરીનના કહેવા મુજબ એન્ટીબાયોટિક જો સ્વસ્થ લોકો પર બેઅસર હોય તો તે ઘણી ગંભીર બાબત છે. તેની અસર એવી હશે કે એવા લોકોને ભવિષ્યમાં જો ઈન્જેકશન વગેરેનો ઈલાજ કરવો હશે તો ઘણી મુશ્કેલી પડશે.

એન્ટીબાયોટિક બેઅસર થવાના અનેક કારણો છે અને અભ્યાસમાં તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તેનુ એક મોટુ કારણ છે સામાન્ય બિમારીઓમા એન્ટીબાયોટિકનો ઉપયોગ ઘણા વધુ પ્રમાણમાં થઈ રહ્યો છે. શરદી જેવી બિમારીમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અસર શરીર પર આ દવાઓ બેઅસર થવા લાગી છે. આની સાથોસાથ તેમા જાનવરો માટે પ્રયોગ થનારા એન્ટીબાયોટિક અને તેનો યોગ્ય રીતે નષ્ટ નહી હોવાનું પણ એક કારણ છે. કૃષિભૂમિ પર પણ દવાઓ છંટકાવ વગેરેની અસર પડે છે અને તેનાથી થનાર ઉત્પાદનનો ઉપયોગ સામાન્ય જીવનમાં થાય છે જેની અસર અંતમાં માણસની ક્ષમતા પર પડે છે.

(10:39 am IST)