Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ટ્રમ્પની દાદાગીરીઃ GSP યાદીમાંથી ભારત બહારઃ આજથી અમલ

અમેરિકી વેપારને દર વર્ષે ૩૦૦ મીલીયન ડોલર ટેરીફનો વધારાનો ભાર પડશેઃ ભારતને ૪૦,૦૦૦ કરોડ રૂપિયાની નિકાસ છૂટનો લાભ મળતો બંધ થશે : જીએસપી કાર્યક્રમ ૧૯૭૦થી શરૂ થયો હતોઃ અત્યાર સુધી અમેરિકા ચીનને જ શિંગડા ભરાવતુ હતુ હવે ભારતને નિશાના પર લીધુઃ ટ્રમ્પના નિર્ણયની ચોમેર ટીકા

નવી દિલ્હી, તા. ૫ : અમેરિકાએ ભારતને વિશેષ દરજ્જાવાળા દેશોની યાદીમાંથી બહાર કરી દીધેલ છે. આ ફેંસલો આજથી લાગુ થઈ ગયેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવુ છે કે અમે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે ભારત તરફથી એવુ આશ્વાસન નથી મળ્યુ કે તે પોતાના બજારોમાં અમેરિકી પ્રોડકટને બરાબરની છુટ આપશે. તેમનુ કહેવુ છે કે, ભારતમાં પ્રતિબંધોને કારણે અમારા વ્યાપારીક હિતોને નુકશાન થઈ રહ્યુ છે.

ટ્રમ્પે ગયા શુક્રવારે પોતાના આ ફેંસલાની જાહેરાત કરતા કહ્યુ હતુ કે, મેં એવુ જાણ્યુ છે કે, ભારત તરફથી એવુ આશ્વાસન નથી મળ્યુ કે તે પોતાના બજારમાં અમેરિકી પ્રોડકટને બરાબરની છુટ આપશે. તો ભારતને લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો આજથી હટાવવાનું યોગ્ય રહેશે. ટ્રમ્પે અમેરિકી સાંસદોની એવી દલીલોને પણ ફગાવી દીધી છે જેમાં જણાવાયુ છે કે, આનાથી અમેરિકી વેપારને દર વર્ષે ૩૦૦ મીલીયન ડોલર ટેરીફનો વધારોનો ભાર પડશે.

ટ્રમ્પનો આ ફેંસલો વિશ્વ યુદ્ધનો વિસ્તાર માનવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી અમેરિકા ફકત ચીન ઉપર જ આ પ્રકારના એક પછી એક પ્રતિબંધો લગાવતુ હતુ પરંતુ હવે તે ભારત પર પણ કાર્યવાહી કરી રહ્યુ છે.

જીએસપી પ્રોગ્રામ ૧૯૭૦માં શરૂ થયો હતો, ત્યારથી ભારતને તેનો લાભ મળી રહ્યો છે. ભારત આનો સૌથી મોટો લાભાર્થી રહ્યો છે. આ ફેંસલાની ભારત પર ઘણી મોટી અસર પડશે. આ કાર્યક્રમ અમેરિકાના સૌથી મોટા અને અમેરિકી વ્યાપારીક અગ્રતાક્રમ કાર્યક્રમ છે જેની યાદીમાં સામેલ દેશોની હજારો પ્રોડકટને અમેરિકામાં કરમુકત છૂટની પરવાનગી આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવ્યો હતો.

અત્યાર સુધી ભારત જીએસપી એટલે કે જનરલાઈઝડ સીસ્ટમ ઓફ પ્રેફરન્સ હેઠળ સૌથી મોટો લાભાર્થી દેશ ગણાતો હતો પરંતુ ટ્રમ્પ તંત્રની આ કાર્યવાહી ભારત સાથે તેના વ્યાપારી સંબંધી મુદ્દા પર આકરા વલણ તરીકે જોવામાં આવી રહી છે. જીએસપીને વિવિધ દેશોથી આવતી હજારો પ્રોડકટની ડયુટી મુકત પ્રવેશની પરવાનગી આપી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બનાવવામા આવ્યો હતો.

ગયા વર્ષે જે પ્રોડકટની ડયુટી મુકત આયાતની રાહતો રદ્દ કરવામાં આવી હતી તેમાં ભારતની ૫૦ પ્રોડકટ સામેલ હતી. અત્રે નોંધનીય છે કે વર્ષ ૨૦૧૭માં જીએસપી હેઠળ ભારતે અમેરિકાને ૫.૬ અબજ ડોલરથી વધુની કરમુકત નિકાસ કરી હતી. અમેરિકાના કાયદા અનુસાર આ ફેરફાર જાહેરનામુ બહાર પડયાના બે મહિના બાદ લાગુ થશે.

ટ્રમ્પે ૪થી માર્ચે કહ્યુ હતુ કે અમેરિકા ભારતનું નામ એવા દેશોની યાદીમાંથી બહાર કરી દેશે જે સામાન્ય કરમુકત જોગવાઈઓ કાર્યક્રમનો ઉઠાવી રહ્યા છે. ૬૦ દિવસનો આ નોટીસ પીરીયડ ૩જી મે ના રોજ સમાપ્ત થયો હતો. ટ્રમ્પનું કહેવુ છે કે મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કે ભારત હવે બંધારણીય પાત્રતા માપદંડોનું પાલન નથી કરતુ. ગયા વર્ષે અમેરિકાએ એપ્રિલમાં જીએસપી માટે નક્કી કરેલી શરતોની સમીક્ષા શરૂ કરી હતી.

અમેરિકાના જીએસપી કાર્યક્રમમાં સામેલ લાભાર્થી દેશોની પ્રોડકટ પર અમેરિકામાં કોઈ આયાત ડયુટી દેવી નથી પડતી. આ કાર્યક્રમ હેઠળ ભારતને ૫.૬ અબજ ડોલર એટલે કે ૪૦ હજાર કરોડ રૂપિયાની નિકાસ પર છૂટ મળે છે. આ કાર્યક્રમમાંથી બહાર થયા બાદ ભારતને આ લાભ નહી મળે.

(10:38 am IST)