Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

બજેટમાં નવી ગોલ્ડ પોલીસીની જાહેરાતની શકયતા

૧ કિલો સોનુ જમા કરાવવા સુધી કોઇ સવાલ નહિ કરાય : બુલિયન બેંકમાં સોનુ જમા કરાવી શકાશેઃ સ્પોટ એક્ષચેંજમાં લે-વેચ થઇ શકશે

નવી દિલ્હી, તા.પઃ બજેટમાં જે નવી ગોલ્ડ પોલિસીની જાહેરાત થાય તેવી શકયતા છે તેમાં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં મહત્ત્વની રાહત આપી લોકોના ઘરોમાં સંગ્રહાયેલું રહેલું સોનું અર્થતંત્રમાં આવે તેવા સુધારા જાહેર થાય તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં એક કિલોગ્રામ સુધીનું સોનું જમા કરાવનારને તે કયાંથી આવ્યું, કેવી રીતે ખરીઘું જેવા કોઈ જ સવાલો કે પુરાવાની પૂછપરછ નહીં થાય. આ માટે સરકારે ૩૦ વર્ષ પહેલા આવકવેરા વિભાગે કરેલા પરિપત્રમાંથી પ્રેરણા લીધી છે. આ પરિપત્ર મુજબ, આવકવેરાના દરોડા દરમિયાન જો પરિવારમાંથી એક કિલો સોનું મળે તો તે જપ્ત ન કરવાનો નિયમ લાગુ કરેલો.એક અંદાજ મુજબ, ભારતીય ઘરોમાં, જવેલર્સ પાસે, બુલિયન ડિલરો પાસે અને રિઝર્વ બેન્ક મળી ૬૦ હજાર ટન સોનું સંગ્રહાયેલું છે. આ સોનું બહાર કાઢવા માટે સરકાર પ્રયાસ કરી છે. સોનાનું ટ્રેડિંગ થાય તો આયાત ઓછી થઈ શકે તેવી ગણતરી છે. ગોલ્ડ પોલિસી અંતર્ગત આખા દેશમાં સોનાનું એક જ ભાવ રહેશે. હોલમાર્કિંગ વગર એકેય દાગીના વેંચી શકાશે નહીં. અન્યથા મોટી રકમના દંડની જોગવાઈ આવી રહી છે.

નવી ગોલ્ડ પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર બુલિયન બેન્ક અને સ્પોટ એકસચેન્જ સ્થાપે તેવી શકયતા છે. ખાસ કરીને બુલિયન બેન્કનો મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. જે રીતે બેન્કોમાં રૂપિયાના ટ્રાન્ઝેકશન થાય છે તે રીતે બુલિયન બેન્કમાં સોનાના વ્યવહાર થશે. કોઈપણ વ્યકિત બુલિયન બેન્કમાં રિકરિંગ ખાતુ ખોલાવીને સોનું જમા કરાવી શકશે. જેટલું સોનું જમા કરાવ્યું હશે તેટલી રકમ તેની પાસબુકમાં દર્શાવાશે. ધારો કે કોઈ વ્યકિતએ એક લાખની કિંમતનું સોનું જમા કરાવ્યું તો બેન્ક તેને એટલી રકમ પાસબુકમાં દર્શાવશે. જેટલી મુદત માટે સોનું મૂકયું હોય તેની મુદત પાકે ત્યારે બેન્ક તેને સોનું પરત આપશે.

કેન્દ્ર સરકાર સોનાને એસેટ કલાસમાં મૂકવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. તેના ભાગરૂપે સ્પોટ એકસચેન્જ સ્થાપવા ઈચ્છી રહી છે. આ એકસ્ચેન્જમાં માત્ર સોનાનું ટ્રેડિંગ થશે. જે રીતે શેરોની લે-વેચ થાય તે પ્રકારે સોનાની લે-વેચ કોઈપણ વ્યકિત આ એકસ્ચેન્જમાં કરી શકશે. ધારો કે કોઈ વેપારીને સોનું ખરીદ કરવું છે તો તેણે બેન્કમાં પૈસા ભરીને પછી બેન્કને સોના માટે ચેક આપવો પડે છે. પરંતુ એકસ્ચેન્જમાં જેટલું સોનું ખરીદ કર્યું હશે તેટલું સોનું પરત ચુકવી શકાશે.

ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસીએશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે બુલિયન બેન્ક અને સ્પોર્ટ એકસચેન્જની વાત ચાલી રહી છે. અમે જ આ બંને માગણીઓ કેન્દ્ર સરકાર સમક્ષ મુકી છે. સોનાની લે-વેચ એકસચેન્જથી થાય તેવી વ્યવસ્થા થશે. સરકાર સોનાને એસેટ કલાસમાં મુકવા માગે છે. જેટલું સોનું હોય તેને લોકોએ બેલેન્સ શીટમાં બતાવવું પડશે. પરિણીત સ્ત્રી ૫૦૦, અપરિણીત સ્ત્રી ૨૫૦ ગ્રામ, પરિણીત પુરૂષ અને અપરિણીત પુરૂષના મળી એક કિલો સોનું કુટુંબ દીઠ રાખી શકાશે. લિમિટ કરતા વધારે સોનું હશે તો સરકાર આ સોનું કયાંથી લાવ્યા તેવા પ્રશ્નો પૂછી શકે છે. વધુ સોનું હશે તેને રિટર્ન ભરો છો કે કેમ તે સહિતના પ્રશ્નો સરકાર પૂછી શકે છે. આ જોગવાઈ છે તેને કેન્દ્ર સરકાર લાગુ કરે છે કે કેમ ? તે આગામી બજેટમાં ખ્યાલ આવશે.

ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમ ૨૦૧૫થી છે. જેનો મુખ્ય ઉદ્દેશ સોનાની આયાત દ્યટાડવાનો છે. દેશમાં ૩૦ અબજ ડોલર કરતાં વધુ સોનાની આયાત થાય છે. દેશમાં ઘર અને ર્ધિામક સ્થળોનું મળી આશરે ૮૦૦ અબજ કરતાં વધુ રકમનું સોનું પડયું છે. જેનો કયાંય ઉપયોગ થતો નથી. આ યોજના નીચે આ સોનું એકઠું કરી દાગીના બનાવતી કંપનીઓને ઉપલબ્ધ કરાવાશે અને દેશના વિકાસમાં ઉપયોગમાં લેવાશે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં ૩૦ ગ્રામ સોનું જમા કરાવી શકાય છે. જેના પર સરકાર અઢી ટકા વ્યાજ આપે છે. આ યોજના નીચે એક વ્યકિત એક વર્ષમાં વધુમાં વધુ ૫૦૦ ગ્રામ સોનુ ખરીદી શકે છે.

(11:57 am IST)