Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

વર્કફોર્સમાં મહિલાઓનું પ્રમાણ વધારવા હિલચાલ

ભાજપ ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચન મુજબ મહિલાઓનું પ્રમાણ ૩૦ ટકા કરવા તૈયાર : મહિલાને પ્રાઇવસીનો અધિકાર, લઘુત્તમ વેતન, મેટરનીટીના લાભો, રજા અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા ઉપર ચાલે છે કામ

નવી દિલ્હી, તા.પઃ નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે આગામી પાંચ વર્ષમાં વર્ક ફોર્સમાં મહિલાઓનું પ્રમાણ વધારવાની નીતિ પર કામ શરૂ કર્યુ છે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચન મુજબ તે વર્કફોર્સમાં મહિલાઓનું પ્રમાણ ઓછામાં ઓછા ૩૦ ટકા પર લઇ જવાનું આયોજન ધરાવે છે. મહિલાઓને એક સ્તરથી વધારે રોજગારી આપતી કંપનીઓને કરમાં રાહત આપવી, અસંગઠિત ક્ષેત્રમાં મહિલા રોજગારી વધારવા માટે વર્તમાન કાયદાઓમાં છૂટછાટ આપવી, મહિલાઓ કામ પરત આવે તે માટે કેટલીક ઉદાર નીતિઓ ઘડવાની વિચારણા ચાલી રહી છે.

આ ઉપરાંત મહિલાને પ્રાઇવસીનો અધિકાર, લઘુતમ વેતન, મેટરનિટીના લાભો, રજા અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટે પણ કામ ચાલી રહ્યું છે. આંતરિક ધોરણે આ વિચાર પર ચર્ચા ચાલી છે. અને તેના પર નીતિગત વિચારણા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી શકે. આ બાબતને સરકાર અગ્રતા આપશે. એમ સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. તાજેતરમાં ડેલોઇટના રીપોર્ટ મુજબ ૨૦૧૮માં ભારતમં વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનું પ્રમાણ ઘટીને ૨૬ ટકા થઇ ગયું હતું. જે ૨૦૦૫માં ૩૬.૭ ટકા હતું. આ દર્શાવે છે કે ૯૫ ટકા કે ૧૯.૫ કરોડ મહિલાઓ બિનસંગઠિત ક્ષેત્રમાં છે અથવા તો તેમને વેતન ચૂકવાતું નથી. આંકડા મંત્રાલયે તાજેતરમાં કરેલા સમયાંતરે લેબર ફોર્સ સર્વેમાં શહેરી મહિલાઓમાં બેરોજગારીનો દર ૨૦-૭-૧૮માં ૧૦.૮ ટકા જેટલો ઊંચો હતો, જયારે ગ્રામીણ વિસ્તારોમાં તે ૩.૮ ટકા હતો. ૧પ થી ર૯ વર્ષના વયના બ્રેકેટમાં જોઇએ તો બેરોજગારીનો દર શહેરી મહિલાઓમાં ૨૭.૨ ટકા હતો અને ગ્રામીણ મહિલાઓમાં ૧૩.૬ ટકા હતો. તેની સામે શહેરી યુવાનોમાં ૧૮.૭ ટકા હતો અને ગ્રામીણ યુવાનોમાં ૧૭.૪ ટકા હતો.

નીતિ આયોગે ઇન્ડિયાએટ૭૫ રોડમેપમાં સુચવ્યું હતું કે સરકારે મહિલા ભાગીદારીનું પ્રમાણ વધારીને ૩૦ ટકાએ લઇ જવું જોઇએ. અધિકારીઓના જણાવ્યા મુજબ આ મલ્ટિ-સેકટરલ ટાસ્ક છે અને શ્રમ, રોજગાર, મહિલા તથા બાળ કલ્યાણ, કૌશલ્ય વિકાસ અને માનવ સંશોધન વિકાસ મંત્રાલય સહિતના અનેક મંત્રાલયો આ સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવું પડશે. ઇન્ડિયન સ્ટાફિંગ ફેડરેશનના પ્રમુખ રિતુપુર્ણા ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, 'સરકાર જે નકકી કરે તેનું વાસ્તવમાં પ્રતિબિંબ પડે તે મહત્વનું છે.

(10:19 am IST)