Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ખાતરનાં ભાવ ૧૦ ટકા વધવાના એંધાણ

કાચો માલ પોટાશ મોંધો થયોઃ રૂપિયાનું મુલ્ય ઘટયું: વગેરે કારણો

નવીદિલ્હી, તા.૫: દેશના ખેડૂતોએ ૨૦૧૮-૧૯માં રવી સીઝનમાં ખાતર માટે જે ભાવ ચૂકવ્યો હતો તેની સરખામણીએ આગામી વાવણીની સિઝનમાં ૧૦ ટકા વધારે ચૂકવવા પડશે કારણ કે ખાતર માટેના મહત્વના કાચા માલ પોટાશની વૈશ્વિક કિંમતોમાં વધારો છે. રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઇ રહ્યો હોવાથી આ કાચા માલની આયાત વાધારે મોંધી થશે. જોકે, સરકારના નિયંત્રણના કારણે યુરિયાનો ભાવ સ્થિત જળવાઇ રહ્યો છે તેમ ઉદ્યોગ જણાવે છે.

ભારતમાં દર વર્ષ ૩૨૦ લાખ ટન યુરિયાનો વપરાશ થાય છે. જેમાંથી આશરે ૨૫ ટકાની આયાત કરવામાં આવે છે જયારે પોટાશની સમગ્ર જરૂરિયાતને આયાત મારફત પૂર્ણ કરવામાં આવે છે કારણ કે દેશમાં આ કાચા માલ માટે કોઇ સ્ત્રોત નથી. આગામી એક પખવાડિયામાં ખાતર માટેની માંગમાં વધારો થશે જેમાં ખેડૂતો ચોખા, સોયાબીન, કપાસ, શેરડી અને અન્ય પાકનું વાવેતર કરશે.

૨૦૧૮ની રવી સીઝનમાં ખેડૂતોએ જે ભાવ ચૂકવ્યો હતો તેની સામે ડાઇમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)નો ભાવ હાલમાં ૮-૧૦ ટકા વધીને ૫૦ કિલોની એક બેગ દીઠ રૂ ૧,૪૨૫,-૧,૪૫૦ ચાલી રહ્યો છે. પોટાશ (એમઓપી)નો ભાવ આઠ ટકા વધીને બેગ દીઠ રૂ. ૮૦૦ હતો જયારે સમાન ગાળા દરમિયાન નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ગ્રેડ્રસનો ભાવ સાતથી આઠ ટકા વધીને ૫૦ કિલોની દરેક બેગ દીઠ આશરે રૂ.૮૫૦-૧,૨૫૦ થયો હતો.

ફર્ટિલાઇઝર ઉદ્યોગના નિષ્ણાત કપિલ મોહને જણાવ્યું હતું કે પોટાશની કિંમતમાં વધારો જળવાઇ રહ્યો છે. કારણ કે વૈશ્વિક બજારમાં મજબૂત માંગ છે. પાછલા એક વર્ષ દરમિયાન પોટાશની ભાવ ટન દીઠ રૂ.૧૨,૦૦૦થી વધીને ૧૯,૦૦૦ પર પહોંચ્યો છે. તેના કારણે એનપીકે ફર્ટિલાઇઝરના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યુ હતું કે, આ સીઝન માટે પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે.''

ઉલ્લેખનીય છે કે દેશનો ફર્ટિલાઇઝર ઉદ્યોગ રશિયા, બેલારૂસ, કેનેડા, જર્મની, ઇઝરાયલ અને જોર્ડનમાંથી પોટાશની આયાત કરે છે. આશરે ૯૦ ટકા ફોસ્ફેટ્રસની પણ આયાત કરવામાં આવે છે. તેમ કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે.

દરમિયાન, અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થયો તેના કારણે પણ ભાવમાં વધારો થયો હતો તેમ ઇરકાના કોર્પોરેટ રેટિંગના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને ગ્રૂપ હેડ કે રવિચન્દ્રને જણાવ્યું હતું.

(10:18 am IST)