Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પ્રદુષણને કારણે ૧ લાખ બાળકો પ વર્ષ પણ નથી જીવતા

CSEના વાર્ષિક રીપોર્ટમાં આવ્યા ચોંકાવનારા આંકડાઃ દેશમાં ૧ર%થી વધુ લોકોના મોત : કર્ણાટક-તેલંગણા-કેરળમાં સૌથી વધુ જળ પ્રદુષણઃ દેશની સૌથી મોટી સમસ્યા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ છે

નવી દિલ્હી તા. પ :.. સીએસઇ (સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એનવાયરમેન્ટ) ના રીપોર્ટ અનુસાર દેશમાં દર વર્ષે ૧ લાખ બાળકો વાયુ પ્રદુષણના કારણે પાંચ વર્ષ પણ નથી જીવી શકતાં. વાયુ પ્રદુષના કારણે દેશમાં પ વર્ષથી ઓછી વયના દર ૧૦,૦૦૦ બાળકોમાંથી ૮ થી વધારેના મોત થઇ રહ્યા છે. છોકરીઓમાં આ આંકડો આનાથી પણ વધારે છે. દર વર્ષે દર ૧૦,૦૦૦ છોકરીઓમાંથી સરેરાશ ૯ થી વધારે છોકરીઓ પ વર્ષની થતા પહેલા જ પ્રદુષણના કારણે મોતને ભેટે છે.

પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ સ્ટેટ ઓફ ઇન્ડીયા એનવાયરમેન્ટ -ર૦૧૯ નો રિપોર્ટ બહાર આવ્યો છે.  રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં થતા કુલ વ્યકિતઓના મોતમાં ૧ર ટકાથી વધારે મોત પ્રદુષણના કારણે થાય છે. ર૦ર૦ સુધીમાં ભારતમાં ૧પ થી ૧૬ મીલીયન ઇ-વ્હીકલ લાવવાનું લક્ષ્ય નકકી કરાયું છે.

રિપોર્ટ અનુસાર દેશમાં ૮૬ વોટર બોડીઝ ખતરનાક રીતે પ્રદુષણની ચપેટમાં છે. જેમાં સૌથી વધારે જલ પ્રદુષણ કર્ણાટક, તેલંગાણા અને કેરળમાં છે. ર૦૧૧ થી ર૦૧૮ દરમ્યાન આ રાજયોમાં પ્રદુષિત ઇન્ડસ્ટ્રીની સંખ્યામાં ૧૩૬ ટકાનો વધારો થયો છે. ર૪ કલાક ચાલતા જાહેર આરોગ્ય કેન્દ્રમાં ૩પ ટકાનો ઘટાડો થયો છે. ભારતની સૌથી મોટી સમસ્યા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની છે. છેલ્લા ૩ વર્ષોમાં રર રાજયોમાં ૭૯ પ્રદર્શનો રર રાજયોમાં લેંડફીલ સાઇટ અને ડમ્પ યાર્ડ સામે થયા છે. (પ-૧૮)

સ્કૂલો જ બનાવે છે બાળકોને બિમાર

ઘણા બધા સર્વેમાં કહેવાયું છે કે વિશ્વના તમામ દેશોમાં દિલ્હી સૌથી પ્રદુષિત રાજધાની છે, પણ રાજધાનીની શાળાઓ તેનાથી પણ વધારે પ્રદુષિત છે. નવેમ્બર ર૦૧૮ થી કલીન એર એશિયાએ શાળાઓના પ્રદુષણ પર અભ્યાસ કર્યો છે. તેમાં દિલ્હી ઉપરાંત, ભુવનેશ્વર અને નાગપુરની શાળાઓને સામેલ કરાઇ છે. ટેરી સ્કુલ ઓફ એડવાન્સ સ્ટડીઝમાં આયોજીત બીટએર પોલ્યુશન વર્કશોપમાં કલીન એર એશીયાની પ્રોજેકટ ડાયરેકટર પ્રેરણા શર્માએ જણાવ્યું કે નવેમ્બરમાં અમે આ અભ્યાસ કર્યો હતો. શાળાઓની આસપાસમાં ટ્રાફીકના કારણે પ્રદુષણમાં અનેકગણો વધારો થયો છે. કેટલીક શાળાઓમાં પ્લે ગ્રાઉન્ડ અને બસ પાર્કીંગ સાથે સાથે છે એટલે બાળકો પ્રદુષણની ઝપટમાં આવી રહ્યા છે. સ્કૂલ ટાઇમીંગમાં સ્કુલોની આજુબાજુ ગાડીઓ પર આંશિક પ્રતિબંધ અથવા કેટલાક માર્ગો બંધ કરવાનું સુચન કરાયું છે.

(10:16 am IST)