Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

આ છે પાકિસ્તાનની હાલત

ઇદના દિવસે નવા કપડા-જોડા લેવા લોકો પાસે પૈસા નથીઃ મોંઘવારી બેકાબુ

ઇસ્લામાબાદ તા. પ :.. આજે દુનિયાભરમાં ઇદ મનાવાઇ રહી છે પણ પાકિસ્તાની લોકો માટે આ ઇદ ખુશી ને બદલે દુઃખ લઇને આવી છે. ઇદ પહેલા જે બજારો અને મોલો હાઉસ ફુલ રહેતા હતા તે આ વખતે ખાલી ખમ પડયા છે. મુદ્રા સ્ફિતીના કારણે પાકિસ્તાનમાં ચીજ વસ્તુઓના ભાવ અનેકગણા વધી ગયા છે. જેના કારણે તે હવે સામાન્ય માણસના હાથની બહાર છે.

પાકિસ્તાની મીડીયા અનુસાર, કપડા અને જવેલરીનો શોખ હવે ફકત અમિરો માટે જ રહી ગયો છે. ગઇ વખતે બંગડી અને પગરખાના ભાવો સામાન્ય માણસની પહોંચમાં હતા પણ આ વખતે તેમના ભાવો દુકાનદારોએ ઘણા બધા વધારી દીધા છે.

પાકિસ્તાનમાં સામાય માણસની મુશ્કેલીઓ વધતી જાય છે. છેલ્લા એક મહીનામાં પાકિસ્તાની કરંસી દુનિયામાં સૌથી નબળી બની ગઇ છે જેની કિંમત પાકિસ્તાની નાગરિકોએ ચુકવવી પડે છે. પાકિસ્તાનના સરકારી આંકડાઓ અનુસાર  દેશમાં મોંઘવારીનો દર ૮.૮ર ટકાથી વધીને ૯.૧૧ ટકા થઇ ગયો છે. ગયા અઠવાડીએ પેટ્રોલની કિંમતમાં ૪ રૂપિયા ર૬ પૈસા, ડીઝલમાં ચાર રૂપિયા પ૦ પૈસા અને કેરોસીનમાં એક રૂપિયો ૬૯ પૈસાનો વધારો  કરાયો હતો. પાકિસ્તાનમાં અત્યારે પેટ્રોલ ૧૧ર રૂપિયા ૬૮ પૈસાનું લીટર મળે છે.

વાર્ષિક આધાર પર મે મહીનામાં ડુંગળીના ભાવ ૭પ.પર ટકા, પતા કોબી ૭૪.૮૭ ટકા, તરબુચ પપ.૭૩, લસણ ૪૯.૯૯ ટકા, ટમેટા ૪૬.૧૧ અને લીંબુ ૪૩.૪૬ ટકા મોંઘા થયા હતા આ ઉપરાંત મગદાળ ૩૩.૬પ ટકા, કેરી ર૮.૯૯ ટકા, ખાંડ ર૬.પ૩ ટકા, મટન ૧ર.૦૪ ટકા, વધ્યા હતાં. પેટ્રોલની કિંમતોમાં ર૩.૬૩ ટકા અને વિજળીના ભાવમાં ૮.૪૮ ટકાનો વધારો થયો હતો. છેલ્લા નવ મહિનામાં દેવાનો બોજ ર૮ હજાર અબજની બહાર નીકળી ગયો છે અને મોંઘવારી બમણી થઇ છે. પાકિસ્તાનમાં શેર બજારની હાલત પણ બહુ ખરાબ છે.

(11:22 am IST)