Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

યાદવ વોટ ન મળ્યા હોત તો બસપને ૪ બેઠકો મળી હોત

માયાવતી પર સમાજવાદી પાર્ટીના વળતા પ્રહારો : સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ગઠબંધનના ઉમેદવારને જીતાડવા ભરપુર મહેનત કરી હતી : રામગોપાલ યાદવનો દાવો

લખનૌ, તા. ૪ : ઉત્તરપ્રદેસમાં હવે પેટાચૂંટણી એકલા હાથે લડવાની બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ જાહેરાત કર્યા બાદ સમાજવાદી પાર્ટી ઉપર હાર માટે દોષારોપણ કર્યા છે. માયાવતીનું કહેવું છે કે, યાદવ વોટ તેમને મળ્યા નથી. આના સંદર્ભમાં સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે નિવેદન કરતા કહ્યું છે કે, બહુજન સમાજ પાર્ટી એક મોટી પાર્ટી છે પરંતુ સમાજવાદી પાર્ટી તેના કરતા મોટી પાર્ટી છે. જો યાદવના મત મળ્યા ન હોત તો બહુજન સમાજ પાર્ટીને ૧૦ના બદલે ૪ કે પાંચ સીટ મળી હોત. સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન તુટી જવાની ચર્ચા વચ્ચે માયાવતીએ પત્રકાર પરિષદમાં સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હાલમાં ગઠબંધન ઉપર બ્રેકની સ્થિતિ છે. માયાવતીએ કહ્યું હતું કે, જ્યારે યાદવ બહુમતિવાળી સીટો ઉપર યાદવ સમાજના મત સપાને મળી રહ્યા નથી ત્યારે આ ખુબ જ વિચારણા કરવા જેવી બાબત છે. માયાવતીના કહેવા મુજબ સમાજવાદી પાર્ટીની વોટબેંક જો તેનાથી દૂર થઇ રહી છે તો તેની વોટબેંક બસપને કેવી રીતે મળી શકે છે. સમાજવાદી પાર્ટીના કાર્યકરોના નિવેદન બાદ સમાજવાદી પાર્ટી તરફથી પણ રામગોપાલ યાદવે કઠોર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે. અમારી પાર્ટી બહુજન સમાજ પાર્ટી કરતા મોટી પાર્ટી છે. સપાના નેતાઓએ બસપના સમર્થન માટે ચૂંટણીમાં ખુબ મહેનત કરી હતી. માયાવતીની પરિભાષા ખોટી દેખાઈ રહી છે. જો યાદવના મત મળ્યા ન હોત તો આ પાર્ટીની હાલત હજુ ખરાબ થઇ હોત અને બસપને માત્ર ચાર સીટો મળી હોત. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રમાશંકર વિદ્યાર્થીએ માયાવતીના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, જો લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીનો સાથ મળ્યો ન હોત તો બહુજન સમાજ પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઇ ગયું હોત. ગઠબંધન તુટવાના એક પ્રશ્નના જવાબમાં વિદ્યાર્થીએ કહ્યું હતું કે, માયાવતી આડેધડ બિનજરૂરી નિવેદન કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે, સમાજવાદી પાર્ટીના મતદારોએ દરેક સીટ પર મહાગઠબંધનના ઉમેદવારની જીત માટે તમામ પ્રયાસો કર્યા હતા. આજ કારણસર પાર્ટીને આંશિક સફળતા પણ મળી શકી છે. લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને માત્ર સમર્થન જ આપ્યું નથી બલ્કે પોતાને સમર્પિત પણ કરી દીધા છે. માયાવતી સમર્પણને ભુલ સમજે છે.

યુપી : ચૂંટણી પરિણામ

લખનૌ તા. ૪ : લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીની હાલત કફોડી બનેલી છે. મહાગઠબંધન ઉપર હાલમાં બ્રેકની સ્થિતિ મુકાઈ ગઈ છે. ભવિષ્યમાં બંને પાર્ટીઓ સાથે લડશે કે કેમ તેને લઇને પણ પ્રશ્નો ઉભા થઇ ગયા છે. કારમી હાર બાદ આની માઠી અસર દેખાઈ રહી છે. પેટાચૂંટણીમાં બંને પાર્ટીઓ જુદી જુદી રીતે ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં ગઠબંધનને કેટલી સીટો મળી તે નીચે મુજબ છે.

કુલ લોકસભા બેઠક......................................... ૮૦

મહાગઠબંધનને સીટો મળી............................... ૧૫

મહાગઠબંધનમાં સપાને સીટ મળી.................... ૦૫

મહાગઠબંધનમાં બસપાને સીટ મળી................. ૧૦

રાષ્ટ્રીય લોકદળને સીટ મળી............................ ૦૦

(12:00 am IST)