Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

પેટાચૂંટણી એકલા હાથે લડવા સપા પૂર્ણ તૈયાર છે : અખિલેશ યાદવ

માયાવતી બાદ અખિલેશયાદવ ની પણ સ્પષ્ટ પ્રતિક્રિયા : હવે પેટાચૂંટણીમાં બંને પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે

લખનૌ, તા. ૪ : સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ગઠબંધન પર હાલમાં બ્રેક વચ્ચે આજે ગાઝીપુરમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોના પરિવારના સભ્યોને મળવા પહોંચેલા અખિલેશ યાદવે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી બાદ સૌથી વધુ રાજકીય હત્યાઓ થઇ રહી છે. અખિલેશે કહ્યું હતું કે, ગઠબંધનને લઇને તેઓ કહેવા માંગે છે કે, જો ગઠબંધન તુટી ગયું છે તો તેના ઉપર ખુબ વિચારણા કરીને નિર્ણય કરવામાં આવશે. મુલ્યાંકનની જરૂર દેખાઈ રહી છે. પેટાચૂંટણીની તૈયારી સમાજવાદી પાર્ટી પણ કરશે. ૧૧ સીટ પર વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરીને પાર્ટી ચૂંટણી લડશે. રસ્તા જુદા જુદા છે તો આનું પણ સ્વાગત છે. તમામને તેઓ શુભેચ્છા આપવા માંગે છે. અખિલેશે કહ્યું હતું કે, ગઠબંધન જરૂરી નથી. તેમના માટે જરૂરી તેમના લોકોની હત્યા અને તેમને ન્યાય અપાવવા માટેની છે. સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે ન્યાય થઇ રહ્યો હતો પરંતુ હવે મદદ મળી રહી નથી. વર્તમાન સરકાર કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન આપી રહ્યું નથી. ગાઝીપુર રવાના થતા પહેલા અખિલેશે ગઠબંધનથી અલગ થવાના સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે, ૨૦૨૨માં યુપીમાં સપાની સરકાર બનશે. માયાવતીએ અગાઉ કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટીના મત પણ તેમને મળી રહ્યા નથી. સમાજવાદી પાર્ટી અને બસપા વચ્ચે સામ સામે આક્ષેપોનો દોર શરૂ થઇ ગયો છે. હવે પેટાચૂંટણીમાં બંને પાર્ટીઓ આમને સામને આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અખિલેશે આજે લખનૌમાં કહ્યું હતું કે, જો અમારી પાર્ટી અને પાર્ટીના માર્ગો અલગ થઇ જશે તો અમે આનાથી ચિંતિત નથી. અમે તમામ ૧૧ સીટો ઉપર સમાજવાદી પાર્ટીના ઉમેદવારને ઉતારીશું. સંબંધોને જાળવી રાખવાના પ્રયાસો હાલમાં કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી નથી.

(12:00 am IST)