Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

ટેરર ફંડિંગ : ત્રણ કટ્ટરપંથી ૧૦ દિવસના રિમાન્ડ ઉપર

મસરત આલમ, શબ્બીર શાહ અને આશિયાની ઉપર સકંજો : અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પ્રથમ મોટી કાર્યવાહી

નવીદિલ્હી, તા. ૪ : રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ દ્વારા કાશ્મીર ખીણમાં ટેરર ફંડિંગ કેસમાં સકંજો મજબૂત કર્યો છે. એનઆઈએ દ્વારા ત્રણ મુખ્ય અલગતાવાદી લીડરો શબ્બીર શાહ, મસરત આલમ અને આશિયાની દિલ્હીમાં ધરપકડ કરી લીધી છે. દિલ્હીની એક ખાસ અદાલતમાં તેમને રજૂ કરવામાં આવ્યા બાદ ૧૦ દિવસ માટે કસ્ટડી મેળવી લેવામાં સફળતા મેળવી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ સપ્તાહની અંદર જ કાશ્મીરમાં આતંકવાદીઓની સામે વધુ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલો ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલાના લીડર અને જમાત ઉદ દાવાના કુખ્યાત હાફીઝ સઇદ સાથે જોડાયેલો છે. એક વકીલે માહિતી આપતા કહ્યું છે કે, રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ ખાસ ન્યાયાધીશ રાકેશ સાયલની કોર્ટમાં બંધ બારણે સુનાવણી દરમિયાન ધરપકડ કરવામાં આવેલા ત્રણેયને ૧૫ દિવસ માટે કસ્ટડીમાં લઇને પુછપરછ કરવાની માંગ કરી હતી. આરોપીઓના વકીલ એમએસ ખાને કહ્યું હતું કે, આશિયા અને શાહ જુદા જુદા મામલામાં પહેલાથી જ કસ્ટડીમાં છે જ્યારે આલમને ટ્રાન્ઝિક્ટ રિમાન્ડ પર જમ્મુ કાશ્મીરથી લાવવામાં આવ્યો છે. એનઆઈએ ટીમ દ્વારા સઇદ અને અન્ય એક આતંકવાદી સલાઉદ્દીન અને કાશ્મીર અલગતાવાદીઓની સામે ખીણમાં આતંકવાદી ગતિવિધિને પ્રોત્સાહન આપવા માટે નાણાંને લઇને ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપીની સામે જે અપરાધો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં આઈપીસીની કલમ ૧૨૦ડીનો સમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષના ગાળામાં અલગતાવાદીઓ સામે જોરદાર કાર્યવાહી કરવામાં આવી છે. એનઆઈએ દ્વારા અલગતાવાદી નેતાઓ અને કેટલાક હુર્રિયત નેતાઓ સામે ૩૦મી મે ૨૦૦૭ના દિવસે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

પ્રથમ ધરપકડ ગયા વર્ષે ૨૪મી જુલાઈના દિવસે કરવામાં આવી હતી જેમાં હિઝબુલ અને તોઇબાના ત્રાસવાદીઓ સાથે મળીને આતંકવાદી હુમલા માટે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. આશિયા ઉપર ખીણમાં કુખ્યાત ત્રાસવાદી હાફીઝ સઇદના ઇશારે પથ્થરબાજી કરાવવાનો આરોપ છે. જો કે, એનઆઈએ દ્વારા ગયા વર્ષે દાખલ કરવામાં આવેલી પોતાની ચાર્જશીટમાં આશિયા અથવા ગિલાનીના નામ ઉપર આવા કોઇ આરોપોનો ઉલ્લેખ નથી. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ દ્વારા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ આશિયાને ગયા વર્ષે દિલ્હી લવાયો હતો.

(12:00 am IST)