Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

હવે ઘડોલાડવો નક્કી? ઈમરાન ખાનના સાતથી આઠ ખૂબ જ વાંધાજનક વિડીયો ગમે ત્યારે લીક થવા જઈ રહ્યાની ભારે ચર્ચા: પત્ની રહેમ ખાને આનો ઉલ્લેખ કર્યો હતો: એક મહિલા ઇમરાન અને પ્રધાનોની ખૂબ નજીક હોવાની ચર્ચા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સાતેક જેટલા વીડિયો જાહેર અથવા લીક થવા જઈ રહ્યાના અહેવાલ મળે છે.  કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી ૩ ખૂબ જ વાંધાજનક છે અને તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.  ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ની સોશિયલ મીડિયા વિંગ આ વીડિયો સામે આવે તે પહેલા જ ડેમેજ કંટ્રોલમાં લાગી ગઈ છે.  ખાસ વાત એ છે કે ગુરુવારે એક ઈન્ટરવ્યુમાં ઈમરાને પોતે કહ્યું હતું કે ઈદની રજાઓ પછી તેના ચરિત્ર હનનનો પ્રયાસ થઈ શકે છે.  તેણે એ પણ સ્વીકાર્યું કે તેના કેટલાક વીડિયો અસ્તિત્વમાં છે.

પ્રસિદ્ધ થયેલા અહેવાલો મુજબ ઘણા પાકિસ્તાની પત્રકારોએ સ્પષ્ટતા કરી છે કે ઈમરાનના કેટલાક ખૂબ જ વાંધાજનક વીડિયો ગમે ત્યારે સામે આવી શકે છે.  વરિષ્ઠ પત્રકાર ઝફર અબ્બાસ નકવીએ કહ્યું- આ વીડિયો રિલીઝ અથવા લીક થવા માટે તૈયાર છે અને ઈમરાન ખાન પોતે આ વાતથી વાકેફ છે.  આ જ કારણ છે કે તેની સોશિયલ મીડિયા ટીમ હવેથી 'પ્રી ડેમેજ કંટ્રોલ' મોડમાં છે.

બિઝનેસ રેકોર્ડર'ના ભૂતપૂર્વ પત્રકાર રિઝવાન રાઝીના જણાવ્યા અનુસાર, ખાનના કેટલાક વીડિયો બનિગાલા સ્થિત તેના આલીશાન ઘરમાં શૂટ કરવામાં આવ્યા છે.  સૌથી લાંબો વીડિયો ૨ મિનિટ ૧૮ સેકન્ડનો છે.  ખાસ વાત એ છે કે ઈમરાન અને તેની પાર્ટી પીટીઆઈ આ વીડિયોને નકલી હોવાનું કહી શકે નહિ, તેથી તેને રિલીઝ કરતા પહેલા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું છે.

 નકવી આ વીડિયો વિશે કહે છે - ઈમરાન અને તેની પાર્ટીને સારી રીતે ખ્યાલ છે કે વીડિયો પાકિસ્તાનમાં હલચલ મચાવશે.  આમાંથી એક વીડિયો એવો છે કે તેના વિશે વાત કરવી પણ ઘૃણાજનક છે.  કેટલીક ઓડિયો ટેપ પણ દેખાઈ શકે છે.  આમાંનો એક ઓડિયો એવો છે કે જે ઈમરાન સરકારમાં ગૃહમંત્રી રહેલા શેખ રશીદે કારમાં કથિત રીતે રેકોર્ડ કર્યો હતો અને બાદમાં તેમણે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને મોકલ્યો હતો.  ,

પાકિસ્તાનમાં સરકાર એ જ પક્ષ દ્વારા રચાય છે, જેને શક્તિશાળી સેનાનું સમર્થન હોય છે.  સરકાર બને તો પણ તે ત્યાં સુધી જ ચાલી શકે જ્યાં સુધી સેના તેનાથી ખુશ હોય.  કોઈ ને કોઈ તબક્કે સેના સરકારથી નારાજ થઈ જાય છે.  પરિણામે સરકાર પડી જાય છે.  આ બાબતોને સાબિત કરવા માટે માત્ર એક ઉદાહરણ પૂરતું છે.  અને તે એ છે કે પાકિસ્તાનની કોઈપણ ચૂંટાયેલી સરકાર અત્યાર સુધી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકી નથી.  ઈમરાન પણ કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.  નેશનલ એસેમ્બલીના વિસર્જન પછી, તેઓ ચૂંટણી સુધી તેઓ માત્ર રખેવાળ વડા પ્રધાન રહશે.

 નકવી કહે છે- ખૂબ જ વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે ૭ કે ૮ વીડિયો છે.  ઉપરાંત બે ઓડિયો ટેપ છે.  આ ઈમરાન સરકારના પતન પછી તરત જ જારી કરવાના હતા, પરંતુ તે સમયે રમઝાન મહિનો ચાલી રહ્યો હતો.  તેથી તેઓને હોલ્ડ પર રાખવામાં આવ્યા હતા અને હવે તેઓ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે ઈમરાન સરકારની વિદાય માટેની પણ સ્ક્રિપ્ટ છે.  તેનું કારણ પણ સેનાની નારાજગી છે.  એક રિપોર્ટ અનુસાર ફેબ્રુઆરીમાં એક દિવસ ઈમરાન એક કારમાં સેના અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વિશે વાત કરી રહ્યા હતા.  તેમની નજીકના મંત્રીએ આ વાત  રેકોર્ડ કરી લીધી.  થોડીવાર પછી આ કોલ રેકોર્ડિંગ જનરલ બાજવા સુધી પહોંચ્યું.  આ પછી ઈમરાન સરકારનો ખેલ ખતમ થઈ ગયો છે.  જોકે પદ્ધતિ થોડી સંસ્કારી અપનાવવામાં આવી હતી.

પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર ઝફર અબ્બાસ નકવીના જણાવ્યા અનુસાર, દેશમાં ખરાબ પરિસ્થિતિ હોવા છતાં, આર્મી ચીફ બાજવા ઈમરાન ખાનની નિષ્ફળતાને ચલાવી લેતા, પરંતુ ગૃહ પ્રધાન શેખ રાશિદે ઈમરાનની રમત બગાડી નાખી.  જો કે, બાજવા અને ઈમરાન વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરમાં અંતર વધી ગયું હતું.  ઈમરાન ઈચ્છતા હતા કે આઈએસઆઈના તત્કાલીન ચીફ જનરલ ફૈઝ હમીદની પેશાવર બદલી ન કરવામાં આવે.  કારણ એ હતું કે ઈમરાનને સત્તામાં લાવવામાં ફૈઝ અને બાજવાની સૌથી મહત્વની ભૂમિકા હતી.  હમીદે ૧૫૫ બેઠકોની લઘુમતી ધરાવતી ઈમરાન ખાનના પક્ષને ૧૭૯ બેઠકોની બહુમતી સુધી પહોંચાડેલ.  બાદમાં ઇમરાને બાજવાને ત્રણ વર્ષનો સમયગાળો આપીને ઉપકારનું વળતર આપ્યું હતું.  જોકે, ફૈઝની ટ્રાન્સફર અટકાવ્યા બાદ ઈમરાન અને બાજવા સામસામે થઈ ગયા હતા.

ઝફરના કહેવા પ્રમાણે આ ઘટના ફેબ્રુઆરીની છે.  ત્યારબાદ વિપક્ષી ગઠબંધન પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) એ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ટૂંક સમયમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.  ૨૦૨૧માં એકવાર ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો, પરંતુ સેનાના સમર્થનને કારણે તે સરળતાથી નીકળી ગયેલ.  આ વખતે પણ તે બેદરકાર રહ્યા હતા.

 ઝફર કહે છે - ઈમરાન અને શેખ રાશિદ એક જ કારમાં બનીગાલા (ઈમરાનના ઘર) જઈ રહ્યા હતા.  આ દરમિયાન કોઈનો ફોન આવ્યો અને ઈમરાન સામેની વ્યક્તિ સાથે અનેક મુદ્દાઓ પર વાત કરવા લાગ્યો.  આ દરમિયાન સેના અને જનરલ બાજવાનો પણ ઉલ્લેખ થયો હતો.  ઇમરાને કેટલીક એવી વાતો કહી જે સખત રીતે સેના અને બાજવા વિરુદ્ધ હતી.  એવો આરોપ છે કે શેખ રાશિદે આ વસ્તુઓ રેકોર્ડ કરી હતી અને બાદમાં તેને જનરલ બાજવા સુધી પહોંચાડી હતી.  આના થોડા સમય પછી, સેનાએ તટસ્થ રહેવાનું નક્કી કર્યું.  એટલે કે હવે ઈમરાનની સરકાર નહીં ચાલે તે નક્કી થઈ ગયું છે.

 બીજી તરફ વિપક્ષ અને લોકો પણ દબાણ બનાવી રહ્યા હતા.  નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમે ખુલ્લેઆમ ઈમરાન પાછળ સેનાનો હાથ હોવાનું જણાવ્યું હતું.  જેના કારણે સેનાની બદનામી થઈ રહી હતી.  દરેક મોરચે ઇમરાનની નિષ્ફળતાએ રહી સહી કસર પૂરી કરી આપી.

ઈમરાન અને શેખ રશીદના સંબંધોનો વીડિયો પ્રૂફ તમારે અવશ્ય જોવો.  આ મે ૨૦૦૮ની વાત છે.  ઈમરાન અને શેખ રાશિદ એક ટીવી ડિબેટમાં સામસામે હતા.  રાશિદ વિશે હંમેશા એવું કહેવામાં આવે છે કે દેશમાં સરકાર કોઈપણ પક્ષની હોય, પરંતુ લાલ હવેલીના રાશિદ ચોક્કસપણે મંત્રી બનશે.  કારણ? - રશીદ લશ્કરનું મોઢું છે.  તેમને સેનાનું પ્યાદુ પણ કહેવામાં આવે છે.  જો કે, ટીવી ડિબેટમાં ઈમરાનને પૂછવામાં આવ્યું- જો તમારી સરકાર બનશે તો શું શેખ રાશિદને તેમની પાર્ટીમાં મંત્રી બનાવવામાં આવશે?  ઈમરાને રાશિદની સામે જ કહ્યું કે હું તેને મારો પટાવાળો પણ ન બનાવુ. રાજકારણમાં ભાષાનું કદાચ કોઈ મહત્વ નથી. આ જ રાશિદ  ઈમરાન સરકારમાં પહેલા રેલવે મંત્રી બન્યા અને હવે ગૃહમંત્રી છે.  વિપક્ષો તેમને 'લોટો' કહે છે.

(1:16 am IST)