Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

જમ્મુ -કાશ્મીરમાં સીમાંકન રિપોર્ટ જાહેર :સીટોની સંખ્યા 83થી 90 કરવાનો પ્રસ્તાવ

કાશ્મીરી પંડિતો માટે 2 રિઝર્વ: જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો હશે

જમ્મુ અને કાશ્મીર સીમાંકન આયોગે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના વિધાનસભા ક્ષેત્રોના સીમાંકન પર અંતિમ અહેવાલ જારી કર્યો છે. સીમાંકન પંચના અહેવાલ મુજબ હવે કુલ 90 બેઠકો હશે. જેમાંથી જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો હશે. જમ્મુ અને કાશ્મીર સીમાંકન પંચે નવી દિલ્હીમાં એક બેઠક બાદ પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા મતવિસ્તારોના સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે સાત વિધાનસભા બેઠકોનો વધારો થશે. રિપોર્ટમાં જમ્મુ ડિવિઝનમાં છ અને કાશ્મીર ડિવિઝનમાં એક વિધાનસભા સીટ વધારવામાં આવી છે. પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જનજાતિ માટે 9 વિધાનસભા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી રહી છે, જ્યારે પહેલાની જેમ 7 વિધાનસભા બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરની નવી વિધાનસભામાં કાશ્મીરી પંડિતો અને POJK વિસ્થાપિત લોકોને પ્રતિનિધિત્વ મળી શકે છે.

રાજ્ય પુનર્ગઠન અધિનિયમ મુજબ વિધાનસભાની 7 બેઠકો વધારવાની છે. વિધાનસભામાં સભ્યોની સંખ્યા 83 થી વધારીને 90 કરવાની છે. કેન્દ્રશાસિત પ્રદેશ બનતા પહેલા, વિધાનસભાની બેઠકોની સંખ્યા 87 હતી, જેમાંથી ચાર લદ્દાખની હતી. લદ્દાખના અલગ થવાથી 83 સીટો રહી ગઈ હતી જે વધીને 90 થઈ જશે. સીમાંકન પંચે 7 બેઠકોમાંથી કાશ્મીરમાં એક બેઠક અને જમ્મુ વિભાગમાં છ બેઠકોનો વધારો કર્યો છે.

આ અહેવાલ જાહેર થતાં જ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

સીમાંકન પંચે જમ્મુ અને કાશ્મીરની લોકસભા બેઠકોમાં પણ ફેરબદલ કર્યો છે. હવે જમ્મુ અને કાશ્મીરના બંને વિભાગોમાં અઢી-સાઢી લોકસભા બેઠકો હશે. અગાઉ જમ્મુ વિભાગમાં ઉધમપુર ડોડા અને જમ્મુ-કાશ્મીરમાં બારામુલ્લા, અનંતનાગ અને શ્રીનગરની બેઠકો હતી.

નવી વ્યવસ્થા હેઠળ અનંતનાગ સીટ હવે અનંતનાગ-રાજોરી પૂંચ તરીકે ઓળખાશે એટલે કે જમ્મુ સીટમાંથી બે જિલ્લા રાજોરી અને પૂંચને હટાવીને અનંતનાગમાં સામેલ કરવામાં આવ્યા છે. દરેક લોકસભા સીટમાં 18 વિધાનસભા સીટો હશે. રિયાસી જિલ્લાને ઉધમપુર સીટમાંથી હટાવીને જમ્મુમાં ઉમેરવામાં આવ્યો છે.

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લું સીમાંકન 1995માં કરવામાં આવ્યું હતું. તે સમયે જમ્મુ અને કાશ્મીરમાં 12 જિલ્લા અને 58 તાલુકાઓ હતા. હાલમાં રાજ્યમાં 20 જિલ્લા અને 270 તાલુકાઓ છે. છેલ્લું સીમાંકન 1981ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું હતું. આ વખતે સીમાંકન પંચે 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકનની કામગીરી કરી રહ્યું છે.

(9:25 pm IST)