Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

પ્રશાંત કિશોર હાલ નવો પક્ષ નહિ બનાવે : બિહારમાં કરશે પદયાત્રા

૨ ઓકટોબરે ચંપારણથી શરૂ કરશે પદયાત્રા : બિહારના વિકાસ માટે કામ કરવાનું એલાન : લાલુ-નીતિશ ઉપર કર્યા પ્રહાર

નવી દિલ્‍હી તા. ૫ : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પોતે રાજકારણમાં આવશે કે કેમ તે અંગે આજે પત્રકાર પરિષદ યોજીને સ્‍થિતિ સ્‍પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે હાલ હું કોઈ રાજકીય પક્ષ બનાવવાનો નથી પરંતુ ૧૭ હજાર લોકો સાથે વાત કરીશ. જો આ સ્‍થિતિમાં તમામ લોકો પાર્ટી બનાવવા માટે તૈયાર થશે તો પાર્ટી બનાવવાનું માનવામાં આવશે પરંતુ તે પાર્ટી માત્ર મારી નહીં પણ તે તમામ લોકોની હશે જે તેમાં સહયોગ આપશે. અમે સાથે મળીને કદમથી ચાલીશું. આ ઉપરાંત પ્રશાંત કિશોરે ૨ ઓક્‍ટોબરથી બિહારના પશ્ચિમ ચંપારણથી ૩,૦૦૦ કિલોમીટરની પદયાત્રાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે બિહારમાં અત્‍યારે કોઈ ચૂંટણી નથી, તેથી હવે પાર્ટી બનાવવાની કોઈ વાત થશે નહીં. હું આગામી ત્રણ-ચાર વર્ષ બિહારના લોકો સુધી પહોંચવામાં ખર્ચીશ. પીકેએ કહ્યું કે તે જાહેર સુરક્ષા માટે ગામડે ગામડે જશે અને દરેક લોકોનો સંપર્ક કરશે.

પ્રશાંત કિશોરે મહત્‍વની જાહેરાત કરતા જણાવ્‍યું કે, ‘તેઓ હાલ કોઇ રાજકીય પક્ષ નહીં બનાવે. પહેલાં હું બિહારમાં રાજકીય પરિવર્તન માટે ૩ હજાર કિલોમીટરની પદયાત્રા કરીશ પછી વિચારીશ. આ પદયાત્રા ચંપારણથી શરૂ થશે.'

આખરે છેલ્લાં કેટલાંય સમયથી પ્રશાંત કિશોરના આગામી નિર્ણયને લઇને ચાલતા સસ્‍પેન્‍સનો આખરે અંત આવ્‍યો છે. અંતે ચૂંટણીની રણનીતિ બનાવનાર પ્રશાંત કિશોરે મહત્‍વની જાહેરાત કરતા જણાવ્‍યું કે, ‘તેઓ અત્‍યારે કોઈ જ રાજકીય પક્ષ નહીં બનાવે.' વધુમાં એમ પણ જણાવ્‍યું કે, ‘તેઓ બિહારમાં રાજકીય પરિવર્તન માટે ૩ હજાર કિલોમીટરની પદયાત્રા કરશે. લાલુ અને નીતીશના ૩૦ વર્ષના શાસન પછી પણ બિહાર દેશનું સૌથી પછાત અને ગરીબ રાજય છે. વિકાસના ઘણા માપદંડો પર બિહાર હજુ પણ દેશમાં સૌથી નીચલા ક્રમે છે. બિહારને આવનારા સમયમાં અગ્રણી રાજયોની યાદીમાં આવવું હોય તો તેના માટે નવી વિચારસરણી અને નવા પ્રયાસોની જરૂર છે.'

 પીકેએ વધુમાં કહ્યું કે, ‘મારૂં એમ માનવું છું કે કોઈ એક વ્‍યક્‍તિ નવી વિચારસરણી અને નવા પ્રયાસો નથી કરી શકતી. જયાં સુધી બિહારના તમામ લોકો પ્રયત્‍નો નહીં કરે ત્‍યાં સુધી બિહારનું કલ્‍યાણ નહીં થઈ શકે.' તેમણે કહ્યું કે, ‘હું આજે કોઈ પક્ષ કે રાજકીય પક્ષની જાહેરાત નથી કરવાનો. મારો પ્રયાસ છે કે આગામી ત્રણ-ચાર મહિનામાં હું જન સ્‍વાવલંબનની વિચારસરણી સાથે લગભગ ૧૮ હજાર લોકોને મળીશ.'

PKએ કહ્યું કે, ‘લગભગ ૯૦ ટકા લોકો સહમત છે કે બિહારમાં નવી વિચારસરણી અને નવા પ્રયાસોની જરૂર છે. હવે હું ૧૮ હજાર લોકોને મળીશ અને તે બધાને ભાગીદાર બનાવવાનું મારું લક્ષ્ય છે. જો તેઓ બધા ભેગા થાય અને નવી પાર્ટી બનાવવા માટે સહમત થાય તો નવી પાર્ટીની જાહેરાત કરવામાં આવશે.

(3:25 pm IST)