Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ન્‍યુ મેકસીકોની જંગલની આગ વિકરાળ બનીઃ રાષ્‍ટ્રીય આપદા જાહેર કરતા બીડન

આગથી ૧૭૦ ઘરો નષ્‍ટઃ ૯૭ હજાર એકરથી વધુના વિસ્‍તારમાં આગ પ્રસરીઃ ભારે પવન મુખ્‍ય કારણઃઅઠવાડીયા ઉપરાંતથી લાગેલ દવને કાબુમાં લેવા ૧ હજારથી વધુ ફાયર બ્રિગેડના જવાનો કામે લાગ્‍યા

લાસ વેગાસઃ તા.૫: અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી જંગલની આગ ઠંડા પવનોને કારણે ધીમી પડી ગઇ છે. રાષ્‍ટ્રપતિ બિડને તેને રાષ્‍ટ્રીય આપદા જાહેર કરી છે. આગથી તબાહ ઉત્તરી ન્‍યુ મેકસીકોના દુરના વિસ્‍તારોમાં વધારે મદદ પહોંચાડશે. આગ એટલી કિરાળ હતી કે ૬ હજાર લોકોને પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી.

રાજયના ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ આખા વિસતારમાં જોરદાર પવનોને કારણ આગ ખુબ જ ઝડપથી પૂર્વમાં લાસ વેગાસ અને દક્ષીણમાં ગૈલીનાસ કૈન્‍યન સુધી ફેલાઇ ગઇ હતી. આગ ઝડપથી ફેલાતા લોકોને કાઢવા અને રસ્‍તાઓ બંધ કરવાની સ્‍થિતિમાં અનેક ફેરફાર કરવા પડયા છે અને હજુ પણ તે બદલવાની સ્‍થિતી ચાલુ જ છે.

એક અઠવાડીયા પહેલાથી લાગેલ આગની લપેટમાં અનેક એકર જમીન આવી ચૂકી છે. જો કે ઘણા ખરા વિસ્‍તારોમાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. પાછલા દિવસોમાં આગ લગભગ ૩૦ હજાર એકરમાં ફેલાઇ ગઇ હતી અને લગભગ ૧૦૨૦ જેટલા ફાયર બ્રિગેડના લોકો તેને કાબુમાં લેવા કાર્યરત છે.

યુએસ પ્રતિનિધી ટેરેસા લેગર ફર્નાડીઝે  બ્રીફીંગમાં જણાવેલ કે રાષ્‍ટ્રપતિએ આપદા જાહેર કરી છે, જેમાં આગ ઉપર કાબુ મેળવવા અંગે જણાવાયુ છે, જે ૨૫૦ વર્ગ માઇલના ઉંચા અલ્‍પાઇન જંગલ અને ઘાસના મેદાનોમાં ફેલાયેલી છે. વૈજ્ઞાનિકો અને ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ આ વિસ્‍તારમાં આગનો ખતરો આખુ વર્ષ રહે છે. ઉપરાંત જળવાયુ પ્રદુષણથી ખતરો પણ વધી ગયો છે.

હાલ તંત્ર દ્વારા શહેરના લોકોને બહાર જવાનો આદેશ અપાયો નથી, ઘણા લોકો સામાન પેક કરીને તૈયાર છે. સ્‍કૂલો બંધ કરી દેવામાં આવી છે. બહારના વિસ્‍તારોમાં લગભગ ૧૫૫૦૦ ઘર અને શહેરની સીમા સાથેના સાંગ્રે ડી ક્રિસ્‍ટો પર્વતની ખીણ અનિવાર્ય નિકાસીથી પ્રભાવીત છે. આગથી નષ્‍ટ થયેલ ઘરોની સંખ્‍યા ૧૭૦ જેટલી છે. ન્‍યુમેકસીકોના કેટલાક ભાગોમાંથી લોકોને બહાર કાઢવાનું કામ શરૂ કર્યાનું સ્‍થાનીક મિડીયાએ જણાવ્‍યુ હતું.

(3:22 pm IST)