Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

નિકાસ મામલે ગુજરાત અવ્‍વલઃ ૧ વર્ષમાં થઇ ડબલ

મહારાષ્‍ટ્રને પાછળ રાખી દીધું : ફેબ્રુ.સુધીમાં રૂા.૮.૩૭ લાખ કરોડની નિકાસઃ અગાઉના વર્ષે હતી રૂા.૪.૮ લાખ કરોડ : પેટ્રોલિયમ-હીરા-સીરામીક-કોટન યાર્ન-ટેક્ષ ટાઇલ્‍સ-તેલિબિયા-એન્‍જીનીયરીંગ- બ્રાસ પાર્ટસની ધુમ નિકાસ

નવી દિલ્‍હી, તા.૫: ગુજરાતે નિકાસ બાબતે પોતાનો પાછલો રેકોર્ડ તોડી નાખ્‍યો છે. ૨૦૨૧-૨૨ના વર્ષમાં ફેબ્રુઆરી સુધીમાં જ રાજયે ૮.૩૭ લાખ કરોડની નિકાસ કરી છે જે ગયા વર્ષે ૪.૪૮ લાખ કરોડ રૂપિયા હતી. નિકાસકારોનું કહેવું છે કે આમાં માર્ચના આંકડા જે ટુંક સમયમાં જ જાહેર થશે તે આવશે તો આ આંકડો ૧૦ લાખ કરોડે પહોંચી શકે છે. આ પહેલા મારાષ્‍ટ્ર સૌથી વધુ નિકાસ કરનારૂ રાજય હતુ અને ગુજરાત બીજા નંબર પર હતું. જો કે ૨૦૨૦-૨૧થી ગુજરાતે મહારાષ્‍ટ્રને પાછળ રાખી દીધું છે. ૨૦૨૦-૨૧માં ગુજરાતની નિકાસ ૪.૪૮ લાખ કરોડ રૂપિયા હતી જયારે મહારાષ્‍ટ્રનો આંકડો ૪.૩૧ લાખ કરોડ રૂપિયા હતો. ૨૦૨૧-૨૨માં ફેબ્રુઆરી સુધીમાં મહારાષ્‍ટ્રએ ૪.૯૦ લાખ કરોડની નિકાસ કરી હતી. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

ડાયરેકટ જનરલ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) અનુસાર, ગુજરાતે પેટ્રોલીયમ, હીરા, સીરામીકસ, કોટન યાર્ન, શાકભાજી, ટેક્ષટાઇલ, તેલીબીયા, મશીનરી, એન્‍જીનીયરીંગ ઉત્‍પાદનો અને બ્રાસ પાર્ટસ જેવી વસ્‍તુઓની નિકાસ દ્વારા સોથી વધારે વિદેશી હુંડીયામણ મેળવ્‍યુ છે. જીએસટીના અમલીકરણ પછી અમે ૨૦૧૮-૧૯થી રાજયવાર આંકડાઓ મેળવવાનુ શરૂ કર્યુ છે. એક અધિકારીએ કહ્યું કે હવે મહામારી પુરી થઇ છે અને ૨૦૨૧-૨૨ના આંકડા એક બેંચ માર્ક રૂપ છે કેમ કે જીએસટીનું હવે પુર્ણપણે અમલીકરણ થઇ ગયુ છે.

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ કહ્યું, ગત વર્ષની સરખામણીમાં ૨૦૨૧-૨૨માં મારી પોતાની નિકાસમાં ૪૦ ટકા વધારો થયો છે. ગુજરાતનો વિકાસ વધી રહ્યો છે કારણ કે આંતરરાષ્‍ટ્રીય બજારમાં આપણી વિશ્‍વસનિયતા છે અને ગ્રાહકો ચીન અને વીયેટનામ કરતા આપણી વસ્‍તુઓ ખરીદવાનું વધારે પસંદ કરે છે. મોરબીના એક અગ્રણી નિકાસકાર નીલેશ જેતપરીયાએ કહ્યું, ભારતની નિકાસમાં ગુજરાતનો હિસ્‍સો મોટો છે. ગુજરાત સરકારે આના પર ધ્‍યાન આપવા માટે એક ખાતુ શરૂ કરવું જોઇએ જે ઉત્‍પાદકો  તથા નિકાસકારોના પ્રશ્‍નો સમજીને તેનું નિરાકરણ લાવે અને જરૂર પડે ત્‍યારે કેન્‍દ્ર સરકાર સમક્ષ તેની રજુઆત કરે. અને અમને હજુ પણ આગળ વધવામાં  મદદ મળશે.

(11:54 am IST)