Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

ફેડરલ રિઝર્વે પણ પોલિસી વ્‍યાજ દરમાં ૦.૫ ટકાનો વધારો કર્યો

વર્ષ ૨૦૦૦ પછી પ્રથમ વખત પોલિસી વ્‍યાજ દરમાં એક જ વારમાં અડધા ટકાનો વધારો કર્યો

વોશિંગ્‍ટન, તા.૫: ફુગાવા સામે ઝઝૂમી રહેલા યુએસમાં ફેડરલ રિઝર્વે પણ બુધવારે તેના પોલિસી વ્‍યાજ દરમાં ૦.૫ ટકાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે માર્ચમાં રિટેલ મોંઘવારી દર ૫.૨ ટકા પર પહોંચી ગયો હતો, જયારે ફેડરલ રિઝર્વને તેને બે ટકા સુધી સીમિત કરવાની જવાબદારી આપવામાં આવી છે. અગાઉ માર્ચમાં ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ્‍સ કમિટીએ પોલિસી વ્‍યાજ દરમાં એક ક્‍વાર્ટર ટકાનો વધારો કર્યો હતો.

આ ફેડરલ રિઝર્વ સમિતિની બે દિવસીય બેઠક બાદ બુધવારે જારી કરાયેલા નિવેદનમાં પોલિસી રેટને ૦.૭૫ ટકાથી એક ટકા રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યો છે. ફેડરલ રિઝર્વે ૨૦૦૬ પછી પ્રથમ વખત સતત બીજા મહિને પોલિસી વ્‍યાજ દરમાં વધારો કર્યો છે અને વર્ષ ૨૦૦૦ પછી પ્રથમ વખત તેણે પોલિસી વ્‍યાજ દરમાં એક જ વારમાં અડધા ટકાનો વધારો કર્યો છે

ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આગામી સમયમાં પોલિસીમાં વધુ રેટ વધારવાનો સંકેત આપ્‍યો છે અને એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે નવેમ્‍બર-ડિસેમ્‍બર સુધીમાં પોલિસી વ્‍યાજ દર ૨.૫ થી ૨.૭૫ ટકા સુધી વધી શકે છે. પોવેલે જણાવ્‍યું હતું કે ફેડરલ રિઝર્વ પાસે ભાવ સ્‍થિરતા પુનઃસ્‍થાપિત કરવા માટે જરૂરી સાધનો અને નિર્ધારણ બંને છે.

(11:42 am IST)