Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય યુરોપ પ્રવાસ ખતમ કરીને ભારત જવા રવાના થયા

રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાતમાં ઘણા દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી

પેરિસ, તા.૫: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેમનો ત્રણ દિવસનો યુરોપ પ્રવાસ ખતમ કરીને સ્‍વદેશ જવા રવાના થઈ ગયા છે. પેરિસમાં તેમના ટૂંકા રોકાણ દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્‍યુઅલ મેક્રોનને મળ્‍યા બાદ બુધવારે (સ્‍થાનિક સમય) તેઓ ભારત જવા રવાના થયા હતા.

ફ્રાન્‍સમાં પીએમ મોદીએ નવા ચૂંટાયેલા ફ્રાન્‍સના રાષ્ટ્રપતિ ઈમેન્‍યુઅલ મેક્રોન સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી. તેઓએ સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ સહકાર તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સહિત વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરી. ફ્રાંસ જતા પહેલા પીએમ મોદીએ ટ્‍વિટ કર્યું હતું કે, ‘મારી ફ્રાંસની મુલાકાત ટૂંકી હતી, પરંતુ તે ઘણી રીતે ઘણી ઉપયોગી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઈમેન્‍યુઅલ મેક્રોન સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરવાની તક મળી. હું તેમનો અને ફ્રેન્‍ચ સરકારનો હાર્દિક આતિથ્‍ય માટે આભાર માનું છું.'

પીએમ મોદીએ તેમના યુરોપ પ્રવાસ દરમિયાન જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્‍સના ટોચના નેતૃત્‍વ સાથે ઘણી ઉચ્‍ચ સ્‍તરીય બેઠકો કરી હતી. તેમણે ત્રણેય દેશોમાં ભારતીય ડાયસ્‍પોરા સાથે પણ વાતચીત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાને જર્મની અને ડેનમાર્કના બિઝનેસ લીડર્સ સાથે પણ વાતચીત કરી છે.

પીએમ મોદી તેમની યુરોપની મુલાકાતના ભાગરૂપે સોમવારે બર્લિન પહોંચ્‍યા હતા. જયાં તેમણે ૬ઠ્ઠી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શમાં ભાગ લેતા પહેલા જર્મન ચાન્‍સેલર ઓલાફ સ્‍કોલ્‍ઝ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. જે બાદ પીએમએ ટિપ્‍પણી કરી કે આંતર સરકારી સલાહ-સૂચન ફળદાયી હતી. આ સમયગાળા દરમિયાન ભારત અને જર્મની વચ્‍ચે કુલ નવ કરાર પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા. ગ્રીન એન્‍ડ સસ્‍ટેનેબલ ડેવલપમેન્‍ટ પાર્ટનરશિપ પર સંયુક્‍ત ઘોષણા સહિત. જે અંતર્ગત જર્મની ૨૦૩૦ સુધીમાં ભારતને ૧૦ બિલિયન યુરોની નવી અને વધારાની વિકાસ સહાય આપવા સંમત થયું હતું.

વડા પ્રધાન મોદી તેમના યુરોપ પ્રવાસના બીજા દિવસે કોપનહેગન પહોંચ્‍યા, જયાં તેમણે તેમના ડેનિશ સમકક્ષ મેટ્ટે ફ્રેડ્રિકસેન સાથે વાતચીત કરી અને બંને દેશો વચ્‍ચે વેપાર અને પર્યાવરણીય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન બંને દેશો વચ્‍ચે ઔપચારિક રીતે અનેક કરારો પર હસ્‍તાક્ષર કરવામાં આવ્‍યા હતા. તેમની મુલાકાતના ત્રીજા દિવસે, PM મોદીએ નોર્વે, સ્‍વીડન, આઇસલેન્‍ડ, ફિનલેન્‍ડ અને ડેનમાર્કના વડા પ્રધાનો સાથે બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી.

(11:37 am IST)