Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

એક જ કંપનીમાં ૮૪ વર્ષ કામ કરવાનો ૧૦૦ વર્ષના વૃધ્‍ધે બનાવ્‍યો રેકોર્ડ

૧૫ વર્ષની ઉંમરે શરૂ કરી નોકરી

લંડન તા. ૫ : તમે કોઈપણ એક કંપનીમાં કેટલા વર્ષ કામ કરી શકો છો? પાંચ વર્ષ? ૧૦ વર્ષ? આજની યુવા પેઢી ઝડપથી નોકરીઓ બદલી રહી છે, ત્‍યારે ૧૦૦ વર્ષના વૃદ્ધે વિશ્વમાં સૌથી વધુ સમય સુધી એક જ કંપનીમાં કામ કરવાનો રેકોર્ડ બનાવ્‍યો છે. બ્રાઝિલના વોલ્‍ટર ઓર્થમેને ૮૪ વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કર્યા બાદ ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્‍યું છે.ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સ અનુસાર, ઓર્થમેનનો જન્‍મ ૧૯ એપ્રિલ ૧૯૨૨ના રોજ બ્રાઝિલના બ્રસ્‍ક નામના નાના શહેરમાં થયો હતો. વોલ્‍ટર શરૂઆતથી વાંચવામાં ખૂબ જ સારા હતા. તેમના મગજની શક્‍તિ ખૂબ જ તેજ હતી અને તેઓ કોઈપણ કામમાં ધ્‍યાન કેન્‍દ્રિત કરતા હતા. ૧૫ વર્ષની ઉંમરે, તેમણે તેમના પરિવારને આર્થિક મદદ કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું હતું.

તેમને ૧૭ જાન્‍યુઆરી ૧૯૩૮ના રોજ ટેક્‍સટાઈલ કંપની ઈન્‍ડસ્‍ટ્રીઝ રેનોક્‍સ દ્વારા નોકરી પર રાખવામાં આવ્‍યા હતા. હવે આ કંપની Renox View તરીકે ઓળખાય છે. ટૂંક સમયમાં જ તેમનું પ્રમોશન થયું અને સેલ્‍સ મેનેજર બન્‍યા. ત્‍યારથી તે કંપનીમાં સેલ્‍સ મેનેજર છે. છેલ્લા ૮૪ વર્ષથી તે કંપનીમાં કામ કરી રહ્યા છે જે કંપનીમાં સૌથી વધુ સમય કામ કરવાનો ગિનીસ વર્લ્‍ડ રેકોર્ડ છે.

વોલ્‍ટરે કહ્યું કે તે તેમના માટે ગર્વની ક્ષણ છે. તેમણે કહ્યું કે મેં હંમેશા વર્તમાન વિશે વિચાર્યું છે, તેથી જ મેં ઇતિહાસ રચ્‍યો છે. વોલ્‍ટર કહે છે, ‘હું આવતીકાલ માટે વધારે વિચારતો નથી અને આયોજન કરતો નથી. હું ફક્‍ત એટલું જ વિચારી શકું છું કે આવતીકાલ એક નવો દિવસ હશે જેમાં હું જાગીશ, કસરત કરીશ અને કામ પર જઈશ. તમારે વર્તમાનમાં વ્‍યસ્‍ત રહેવું જોઈએ, ભૂતકાળ અને ભવિષ્‍યમાં નહીં.' ગયા અઠવાડિયે તેમણે તેમનો ૧૦૦મો જન્‍મદિવસ તેમના મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથે ઉજવ્‍યો છે.

(11:30 am IST)