Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

GST.. કમ્‍પોઝિશન સ્‍કીમવાળા વેપારી પાસે ભરેલા ટેકસની ફરી વસૂલી કાઢતા વિવાદ

મુંબઇ, તા.૫: કમ્‍પોઝિશન સ્‍કીમમાં રજિસ્‍ટ્રેશન લેનારા વેપારીઓએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં જે ટેક્‍સ ચૂકવી દીધો હતો તેના માટે ફરીથી ડિપાર્ટમેન્‍ટ દ્વારા વેપારીઓને નોટિસો અપાતા વેપારીઓ અને સીએ મૂંઝવણમાં મુકાયા છે.
કમ્‍પોઝિશન સ્‍કીમ પ્રમાણે દર મહિને રિટર્ન ફાઇલ કરનારા કેટલાક વેપારીઓએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં વાર્ષિક રિટર્ન ફાઇલ કરતી વખતે કેટલીક સ્‍પષ્ટતાઓના અભાવે લાયબિલિટીનું ફોર્મ એટલે કે ટેબલ-૯ની માહિતીઓ ભરી ન હતી.
વેપારીઓએ રકમ પણ જમા કરી દીધી હતી. જોકે વેપારીઓએ ટેબલ-૬ નહીં ભરતા તેમની સામે લાયબિલિટી ઊભી થઇ હતી જે અંગે વેપારીઓને માહિતી ન હતી. હવે સરકારે ફરીથી એક વાર આ તમામ વેપારીઓ સામે પાછલી જવાબદારી ઊભી કરી છે અને ટેક્‍સ ચૂકવવા જણાવ્‍યું છે. વેપારીઓનું કહેવું છે કે તેઓએ ડીઆઇસી ફોર્મ ભરી ટેક્‍સની ચુકવણી કરી દીધી છે તો ફરીથી કેમ ટેક્‍સ માંગવામાં આવી રહ્યો છે. જોકે ડિપાર્ટમેન્‍ટનું કહેવું છે કે હાલ તેઓ ટેક્‍સ ચૂકવી દે પાછળથી રિફંડ થઇ શકે છે. સીએ કિશોર ઘીવાલાએ જણાવ્‍યું હતું કે ટેક્‍સ ચૂકવી આપ્‍યા બાદ પણ વેપારીઓ સામે જવાબદારી ઊભી થતા નાના વેપારીઓ પરેશાન થઈ ગયા છે. આવા સંજોગોમમાં કેટલાક વેપારીઓએ રિટર્ન જ ભર્યા નથી. ૩૦મી તારીખ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ હતી.
સરકાર પાસેથી રિફંડ લેવામાં વિલંબ થવાની ફરીયાદ
વેપારીઓનું કહેવુ છે કે સરકાર પાસે રિફંડ મેળવવું લોઢાના ચણા ચાવવા જેવુ છે. સરકાર એક બાજુ રિફંડ લેવાનું કહે છે અને બીજી બાજુ રિફંડ કલેઇમ કરનારાઓને વારંવાર રિફંડ માટે પરેશાન થવું પડે છે

 

(11:30 am IST)