Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મારી સરકાર પડી ત્‍યારે ભારતમાં ખુશીનો માહોલ હતો : મીડિયાએ પણ ઉજવણી કરી

ઇમરાન ખાને રોદણા રોવાના શરૂ કર્યા : કાગારોળ

ઈસ્‍લામાબાદ તા. ૫ : પાકિસ્‍તાનમાં સત્તા ગુમાવ્‍યા બાદ ઈમરાન ખાન વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના સહયોગીઓ પર સતત હુમલા કરી રહ્યા છે. હવે ઈમરાને ભારત પર પણ પ્રહારો શરૂ કર્યા છે. તેમણે કહ્યું છે કે તેમની સરકાર ગયા બાદ ભારતમાં ખુશીનો માહોલ હતો. ત્‍યાંના મીડિયાએ ઉજવણી કરી. ઇઝરાયેલની અંદર ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. પશ્ચિમી દેશોએ તેને સત્તા પરિવર્તન ગણાવ્‍યું છે અને તે બધા પાકિસ્‍તાની સેનાની વિરુદ્ધ છે.
પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને હમ ન્‍યૂઝ પર ઈન્‍ટરવ્‍યુ આપ્‍યો છે. આમાં તેણે દાવો કર્યો હતો કે વિપક્ષ અનેક કંપનીઓ દ્વારા તેના ચરિત્રની હત્‍યા કરવા માંગે છે. ઈમરાન વતી આ વાત કહેવામાં આવી હતી જયારે તાજેતરમાં જ તેમની પાર્ટી પાકિસ્‍તાન તહરીક-એ-ઈન્‍સાફ (પીટીઆઈ) એ તેના સમર્થકોને ‘ડીપ ફેક' વિશે ચેતવણી આપી હતી. આમાં જણાવવામાં આવ્‍યું છે કે કેવી રીતે આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ દ્વારા કોઈપણ વ્‍યક્‍તિનો નકલી વીડિયો બનાવી શકાય છે અને તેને કંઈપણ બોલતો બતાવી શકાય છે.
ઈમરાને કહ્યું, ‘મારે માફિયાઓનો સામનો કરવો પડશે. આ માફિયાઓમાં સૌથી મોટો શાહબાઝ શરીફ છે. આ લોકો હંમેશા વ્‍યક્‍તિગત સ્‍તર પર હુમલો કરે છે, કારણ કે તેઓ છેલ્લા ૩૫ વર્ષથી ભ્રષ્ટાચારમાં સામેલ છે. જો કોઈ તેમના ભ્રષ્ટાચાર પર આંગળી ચીંધે છે, તો તેઓ તેમના પર વ્‍યક્‍તિગત હુમલો શરૂ કરે છે. તેણે કહ્યું કે તેની પૂર્વ પત્‍ની જેમિમા ગોલ્‍ડસ્‍મિથને પણ અગાઉ યહૂદી લોબીના ભાગરૂપે નિશાન બનાવવામાં આવી હતી.'
ઈમરાન ખાને ઈન્‍ટરવ્‍યુ દરમિયાન કહ્યું, ‘મારી સરકાર છોડ્‍યા પછી સૌથી વધુ ખુશી ભારતમાં હતી. ભારતીય મીડિયાએ ઉજવણી કરી હતી. બીજા નંબર પર ઈઝરાયેલ સૌથી ખુશ હતો. જે લોકો ખુશ હતા તે તમામ લોકો પાકિસ્‍તાની સેના વિરુદ્ધ છે. ઇઝરાયેલ ધાર્મિક રીતે ઇચ્‍છે છે કે આપણી સેના નબળી પડે. ઈઝરાયેલ ઈચ્‍છે છે કે તેની આસપાસના દેશો ઈરાનની જેમ નબળા પડી જાય. તે બધા જ ખુશ છે કારણ કે પીટીઆઈ એકમાત્ર રાષ્ટ્રીય પાર્ટી છે અને તે સત્તાની બહાર છે. તેઓ જાણે છે કે પાકિસ્‍તાનને નબળું પાડવાનો શ્રેષ્ઠ રસ્‍તો ફેડરેશન અને પાકિસ્‍તાન આર્મીને નબળો પાડવાનો છે.

 

(11:29 am IST)