Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

યુપી : લલિતપુરના પોલીસ સ્‍ટેશનમાં બળાત્‍કાર પીડિતા પર બળાત્‍કાર : ઇન્‍સ્‍પેકટર સસ્‍પેન્‍ડ

૨૯ પોલીસકર્મીઓને ડયૂટી પરથી ખસેડવામાં આવ્‍યા

લખનૌ તા. ૫ : ઉત્તર પ્રદેશના લલિતપુરમાં પોલીસ સ્‍ટેશનની અંદર રેપ પીડિતા સાથે રેપ કરવાના મામલામાં યોગી સરકારે મોટી કાર્યવાહી કરી છે. ADG કાનપુર ઝોને પાલી પોલીસ સ્‍ટેશનના તમામ પોલીસ કર્મચારીઓને તપાસ ચાલુ છે ત્‍યાં સુધી ડ્‍યૂટી પરથી ખસેડ્‍યા છે. આ સાથે આરોપી ઈન્‍સ્‍પેક્‍ટરને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યો હતો. સમગ્ર મામલામાં ડીઆઈજી રેન્‍જ ઝાંસી પાસેથી ૨૪ કલાકમાં રિપોર્ટ માગવામાં આવ્‍યો છે. ૬ એસઆઈ, ૬ હેડ કોન્‍સ્‍ટેબલ, ૧૦ કોન્‍સ્‍ટેબલ, ૫ મહિલા કોન્‍સ્‍ટેબલ, એક ડ્રાઈવર અને એક ફોલોઅર સહિત ૨૯ પોલીસકર્મીઓને ડ્‍યૂટી પરથી ખસેડવામાં આવ્‍યા છે.

રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસકર્મીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં, જિલ્લાના પાલી પોલીસ સ્‍ટેશનના પ્રભારી સહિત ૬ લોકો પર ૧૩ વર્ષની સગીર બાળકી સાથે સામૂહિક બળાત્‍કારનો આરોપ છે. આ કેસમાં ચાઈલ્‍ડ લાઈનની ફરિયાદ પર પોલીસ અધિક્ષકે ગંભીરતા દાખવતા પાલી સ્‍ટેશન ઈન્‍ચાર્જ તિલક ધારી સરોજ સહિત ૬ લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

સગીર સાથે સામૂહિક બળાત્‍કાર, પોસ્‍કો એક્‍ટ, એસસી/એસટી એક્‍ટ સહિત સંબંધિત કલમો હેઠળ તમામ આરોપીઓ સામે કેસ નોંધ્‍યા બાદ પાલી પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા હતા. પોલીસ અધિક્ષક નિખિલ પાઠકના જણાવ્‍યા અનુસાર, પાલી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેતી ૧૩ વર્ષની છોકરીને ૨૨ એપ્રિલના રોજ તેના જ ગામમાં રહેતા ચાર છોકરાઓએ લાલચ આપી ભોપાલ લઈ ગયા, જયાં ત્રણ દિવસ સુધી તેની પર સામૂહિક બળાત્‍કાર ગુજાર્યો હતો.

એસપી નિખિલ પાઠકના જણાવ્‍યા અનુસાર ત્રણ દિવસ બાદ ચારેય આરોપીઓ સગીર છોકરીને પાલી પોલીસ સ્‍ટેશન લઈ ગયા અને તેને પોલીસ સ્‍ટેશન ઈન્‍ચાર્જને સોંપી દીધી, ત્‍યારબાદ પોલીસ સ્‍ટેશન ઈન્‍ચાર્જએ સગીર પીડિતાને બે દિવસ પછી તેની માસી સાથે ચાઈલ્‍ડ લાઈનમાં મોકલી હતી. તેને પોલીસ સ્‍ટેશન બોલાવવામાં આવી હતી, જયાં પાલી સ્‍ટેશનના ઈન્‍ચાર્જે નિવેદન લેવાના બહાને સગીર છોકરીને એક રૂમમાં લઈ જઈને બળાત્‍કારની ઘટનાને અંજામ આપ્‍યો હતો.

એસપી નિખિલ પાઠકના જણાવ્‍યા અનુસાર, સગીર બાળકીને તેની માસીની સાથે ચાઈલ્‍ડ લાઈનમાં મોકલવામાં આવી હતી, જયાં કાઉન્‍સેલિંગ દરમિયાન યુવતીએ તેની સાથે બનેલી આખી ઘટના જણાવી, જેના પર ચાઈલ્‍ડ લાઈનની ફરિયાદ બાદ પાલી પોલીસ સ્‍ટેશન ઈન્‍ચાર્જ સહિત ૬ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

(10:57 am IST)