Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

મુંબઇની ૨૬ મસ્‍જિદોના ધર્મગુરૂઓનો મોટો નિર્ણય : લાઉડસ્‍પીકર વગર થશે સવારની અઝાન

બુધવારે મોડી રાત્રે દક્ષિણ મુંબઇની લગભગ ૨૬ મસ્‍જિદોના ધર્મગુરૂઓની બેઠક મળી હતી

મુંબઇ તા. ૫ : મોડી રાત્રે દક્ષિણ મુંબઈની લગભગ ૨૬ મસ્‍જિદોના ધર્મગુરુઓની બેઠક મળી હતી. બેઠકમાં કહેવામાં આવ્‍યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે લાઉડસ્‍પીકર વગર સવારની અઝાન આપવામાં આવશે. આ પછી મુંબઈની પ્રખ્‍યાત મિનારા મસ્‍જિદમાં લાઉડસ્‍પીકર વગર સવારની અઝાન આપવામાં આવી હતી.

હકીકતમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી હતી કે જો ૪ મેથી મસ્‍જિદોની બહાર અઝાન થશે તો હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. આ પહેલા રાજ ઠાકરેએ પણ ઔરંગાબાદમાં પોતાના ભાષણ દરમિયાન લાઉડસ્‍પીકર વિવાદ અંગે ચેતવણી આપી હતી. આ મામલામાં તેમની સામે ઔરંગાબાદમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી, જેમાં તેમના પર ભડકાઉ ભાષણ કરવાનો આરોપ હતો. આ વિવાદ પર મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્‍સે પાટીલે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં અજાન સંબંધિત માર્ગદર્શિકા બહાર પાડશે. પોલીસ મહાનિર્દેશક અને મુંબઈ પોલીસ કમિશનરને લાઉડસ્‍પીકર અંગે સંયુક્‍ત નીતિ ઘડવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો છે.

(10:56 am IST)