Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

કરદાતાઓને ફટકો... ૩ વર્ષ જુના કેસ પણ ખુલી શકશે

૩ વર્ષ જુના કેસમાં IT વિભાગે આપેલી નોટીસોને સુપ્રિમ કોર્ટે યોગ્‍ય ઠેરવી : ૯૦૦૦થી વધુ કેસ પર અસર પડશે : હજારો કરદાતાઓએ નોટિસનો જવાબ આપવાની સાથે પુરાવા રજુ કરવા પડશે

નવી દિલ્‍હી તા. ૫ : કરદાતાઓ માટે એક મહત્‍વપૂર્ણ સમાચાર છે. હવે ત્રણ વર્ષ જૂના ટેક્‍સને લગતા કેસ ફરીથી ખોલી શકાશે. હકીકતમાં, આવકવેરા વિભાગને સુપ્રીમ કોર્ટ તરફથી જૂના ટેક્‍સ કેસને ફરીથી ખોલવા માટે મોટી રાહત મળી છે. ટેક્‍સ નિષ્‍ણાતોના જણાવ્‍યા અનુસાર, સુપ્રીમ કોર્ટે ૩૧ માર્ચ, ૨૦૨૧ પછી નોટિસ મોકલવાના વિભાગના નિર્ણયને યથાવત રાખ્‍યો છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય સ્‍વાભાવિક રીતે જ આવકવેરા વિભાગ માટે રાહતનો વિષય છે, પરંતુ જે મોટી સંખ્‍યામાં કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે તેમના માટે આ સમાચાર આંચકાથી ઓછા નથી. આ નોટિસ આવા કરદાતાઓને એપ્રિલ ૧, ૨૦૨૧ અને જૂન ૨૦૨૧ વચ્‍ચે મોકલવામાં આવી હતી. ઘણી હાઈકોર્ટમાં, જયાં ઈન્‍કમ ટેક્‍સ વિભાગની નોટિસને પડકારવામાં આવી હતી, તે હાઈકોર્ટે ઈન્‍કમ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટની નોટિસને ખોટી ગણાવી હતી. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલવાના આવકવેરા વિભાગના પગલાને સમર્થન આપ્‍યું છે.

વાસ્‍તવમાં મામલો એ હતો કે ૨૦૨૧-૨૨ના જે બજેટમાં આવ્‍યું હતું, તેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે કેસ ત્રણ વર્ષથી વધુ કે ત્રણ વર્ષથી વધુ જૂના છે તેને ખોલી શકાય નહીં. એટલે કે એક રીતે કરદાતાઓને રાહત આપવાનું કહેવાયું હતું. પરંતુ આવકવેરા વિભાગે તે જ વર્ષમાં ૧ એપ્રિલથી ૩૦ જૂન વચ્‍ચે જૂના કેસ ખોલવા માટે ૧ લાખથી વધુ લોકોને નોટિસ મોકલી હતી

આ નોટિસમાં કરદાતાઓને કહેવામાં આવ્‍યું હતું કે સમગ્ર મામલાને ખોલીને તેની તપાસ કરવામાં આવશે અને પછી આવકવેરા વિભાગ ત્‍યાં તેની કાર્યવાહી કરશે. ટેક્‍સ નિષ્‍ણાતોનું કહેવું છે કે આવા ૯૦૦૦ થી વધુ કેસ હતા જેના પર હવે સુપ્રીમ કોર્ટના આ આદેશની અસર થશે.

સુપ્રીમ કોર્ટે આજે ત્રણ વર્ષ પહેલાના કેસમાં અપાયેલી નોટીસ પણ માન્‍ય ગણવાનો આદેશ કર્યો છે, જેથી હવે હજારો કરદાતાઓએ નોટીસનો જવાબ આપવાની સાથે પુરાવા પણ રજૂ કરવા પડશે.

એક એપ્રિલ ૨૦૨૧થી ત્રણ વર્ષ પહેલાના કેસ રિઓપન કરી નહીં શકાય તેવો નિયમ લાગુ કરવામાં આવ્‍યો હતો. તેમ છતાં ઇન્‍કમટેકસ વિભાગે ૬ વર્ષ જૂના કેસમાં પણ કરદાતાઓને નોટીસ ફટકારી દીધી હતી. જેથી તે અંગે દિલ્‍હી, અલ્‍હાબાદ, કોલકાતા, મદ્રાસ, મુંબઇ હાઇકોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવી હતી. આ તમામ હાઇકોર્ટે કરદાતાઓની તરફેણમાં ચુકાદો આપી ઇન્‍કમટેકસે ફટકારેલી નોટીસ યોગ્‍ય નહીં હોવાનું જણાવ્‍યું હતું. આ ચુકાદા સામે ઇન્‍કમટેકસ વિભાગે સુપ્રીમમાં પીટીશન કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના બે જજની બેંચે કરદાતાની તરફેણમાં આપેલો ચુકાદો પલટાવીને તેઓને આપેલી નોટીસ યોગ્‍ય હોવાનું જણાવ્‍યું હતું, જેથી હવે કરદાતાઓને મળેલી નોટીસનો યોગ્‍ય જવાબ રજૂ કરવો પડશે, નહીંતર ઇન્‍કમટેકસ વિભાગ દ્વારા નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાનો માર્ગ મોકળો બની ગયો છે.

અગાઉના કિસ્‍સામાં ૬ વર્ષ જૂના કેસમાં નોટીસ ફટકારી દીધી છે. તેને સુપ્રીમ કોર્ટે માન્‍યતા તો આપી દીધી છે પરંતુ હવેથી ઇન્‍કમટેક્‍સ વિભાગ દ્વારા નવા નિયમ પ્રમાણે જ નોટી સઆપી શકશે. જેથી ત્રણ વર્ષ પહેલાના જ કેસ રિઓપન કરવાની નોટીસ મળી શકશે.

(10:50 am IST)