Gujarati News

Gujarati News

News of Thursday, 5th May 2022

દિલ્હીમાં ફરી કોરોના કેસમાં વધારો: છેલ્લા 24 કલાકમાં નવા 1354 કેસ નોંધાયા :સંક્રમણ દર વધીને 8 ટકા નજીક

વધુ એક દર્દીનું મૃત્યુ થયું : વધુ 1486 લોકો સંક્રમણથી મુક્ત થયા: હાલ દિલ્હીમાં એક્ટિવ કેસ 5853 છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ચોથી લહેર વચ્ચે રાજધાની દિલ્હીમાં ફરી કેસમાં વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે રાત્રે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1354 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમણ દર વધીને 8 ટકા થઈ ગયો છે.

આ દરમિયાન વધુ એક દર્દીનું મૃત્યુ થયું અને 1486 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. સંક્રમણ દર 7.64 ટકા છે. હાલ દિલ્હીમાં એક્ટિવ કેસ 5853 છે અને 1343 કન્ટેઈન્ટમેન્ટ ઝોન છે. બુધવારે સામે આવેલા કેસ બાદ દિલ્હીમાં કોરોનાના સંક્રમણના કુલ કેસ વધીને 18,88,404 પર પહોંચી ગયા જ્યારે મૃતકોની સંખ્યા 26177 થઈ ગઈ છે.

દિલ્હીમાં મંગળવારે કોરોનાના 1414 કેસ સામે આવ્યા હતા અને સંક્રમણ દર 5.97 ટકા હતો. ત્યારે 23 હજારથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો સોમવારે 1076, રવિવારે 1485, શનિવારે 1520 અને શુક્રવારે 1607 કેસ સામે આવ્યા હતા.

દિલ્હીમાં ફરી વધી રહેલા કેસ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે, હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા હજુ ઓછી છે. તો પ્રતિબંધો વિશે કહ્યું કે, સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે અને વર્તમાન સ્થિતિ એટલી ગંભીર નથી.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અમે હોસ્પિટલોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે 10 હજાર બેડ રિઝર્વ રાખ્યા છે, જેમાં 200થી ઓછા દર્દી દાખલ છે. સ્થિતિ એટલી ગંભીર નથી. આ સમયે દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના 180 દર્દી દાખલ છે.

(1:03 am IST)