Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

એક એપ્રિલથી વેપારીઓને જેટલી ક્રેડિટ દેખાશે તેટલી જ લઇ શકશે

GSTના નવા નિયમ લાગુ થતાં વેપારીઓની પરેશાની વધશે :હાલમાં GST 2 - એમાં દેખાય તેના કરતાં વધુ ક્રેડિટ વેપારીઓને લેવાની છૂટ

નવી દિલ્હી, તા.૫: આગામી એક એપ્રિલથી જીએસટીના કાયદામાં ધરખમ ફેરફાર કરવામાં આવનાર છે. તેના કારણે વેપારીઓની પરેશાનીમાં ઘટાડો થવાને બદલે વધારો થવાનો છે. કારણ કે જીએસટી રીટર્નના રએમાં જેટલી ક્રેડિટ વેપારીઓને દેખાતી હશે તેટલી જ ક્રેડિટ લઇ શકશે. તેના કરતાં વધારે ક્રેડિટ હવેથી વેપારીઓ નહીં લઇ શકે તે પ્રમાણેનું અમલીકરણ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. આનો અમલ થવાની સાથે જ વેપારીઓમાં રોષ વધવાની પણ શકયતા રહેલી છે.

જીએસટીના ૨-એમાં જેટલી ક્રેડિટ દેખાતી હોય તેના કરતા ૧૦ ટકા વધુ ક્રેડિટ લેવામાં આવે તો વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી નહોતી. જયારે તેમાં સુધારો કરીને ૧૦ ટકાના બદલે પાંચ ટકા વધુ ક્રેડિટ લઇ શકે તેવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જયારે આગામી એક એપ્રિલથી તેમાં પણ સુધારો કરીને વેપારીના જીએસટીના રીટર્ન ર-એમાં જે ક્રેડિટ દેખાતી હશે તેટલી જ ક્રેડિટ વેપારીઓ લઈ શકશે. આ નિયમ લાગુ કરવા માટેની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. જેથી આગામી એક એપ્રિલથી આ નિયમ લાગુ થતાની સાથે જ વેપારીઓની પરેશાની વધવાની છે. વેપારીઓની પરેશાની વધવાનું કારણ એવું છે કે, હાલમાં વેપારીઓ જીએસટીઆર રએમાં જે ક્રેડિટ દેખાય છે તેના કરતાં પાંચ ટકા અને તેનાથી વધુ પણ ક્રેડિટનો વપરાશ કરી લેતા હોય છે. જોકે, તે માટે વ્યાજ અને દંડ ભરપાઇ કરવાનો આવે તો પણ વેપારીઓ તે ભરપાઇ કરવામાં ખચકાટ અનુભવતા નથી. જયારે આ સિસ્ટમ જ હવેથી બંધ કરી દેવામાં આવનાર છે. જેથી વૈપારીઓએ ફરજિયાત રીટર્નની રકમના નાણાં રોકડમાં ભરવાની નોબત આવવાની છે.(૨૩.૧૨)

એક એપ્રિલથી GST રિટર્નનું સિંગલ ફોર્મ આવશે 

વેપારીઓને જીએસટીરીટર્ન ભરવામાં તકલીફ નહીં પડે તે માટે સીંગલ ફોર્મ લાવવામાં આવનાર છે. આ ફોર્મમાં તમામ વિગતો જીએસટી રીટર્નના આધારે ભરપાઇ કરેલી જ હશે. જેથી વેપારીઓએ ફકત તેને ઓકે કરવાનુ રહેશે. આ ફોર્મમાં વેપારીઓના ઇ વેબિલ- રીટર્ન. સામેવાળા વેપારીઓએ ભરેલી જીએસટીની રકમ સહિતની વિગતો સિસ્ટમ દ્વારા આપોઆપ જ ભરાઇને આવશે. જેથી વેપારીઓએ ફકત તેને તપાસ જ કરવાનુ રહેશે, જેથી વેપારી એક કલીક કરીને જ રીટર્ન ભરી શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવનાર છે.

(1:03 pm IST)