Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

મુંબઈમાં સેકન્ડ વેવનો ૫૦ દિવસનો રેકોર્ડ ત્રીજી લહેરમાં માત્ર ૧૫ દિવસમાં તૂટવાની તૈયારીમાં

હોસ્પિટલોમાં એડમિટ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઉછાળો આવ્યોઃ મહારાષ્ટ્રમાં ત્રણ જ દિવસમાં ડેઈલી કેસ બમણા થઈ ગયા : મંગળવારે મહારાષ્ટ્રમાં નોંધાયેલા ૧૮,૪૬૬ કેસમાંથી ૧૦ હજાર માત્ર મુંબઈનાઃ બીજી લહેરમાં મુંબઈમાં એક દિવસના હાઈએસ્ટ ૧૧,૨૦૬ કેસ નોંધાયા હતા

મુંબઈ, તા.૫: ૨૦૨૧માં એક તબક્કે દેશનું કોરોના કેપિટલ બની ગયેલા મુંબઈમાં ફરી એ જ સ્થિતિ નિર્માણ થવા જઈ રહી છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૧૮,૪૬૬ કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર મુંબઈના જ ૧૦,૬૦૬ દર્દીઓનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૨૧માં બીજી લહેર દરમિયાન મુંબઈમાં એક દિવસના સૌથી વધુ ૧૧,૨૦૬ કેસ નોંધાયા હતા. જોકે, આ રેકોર્ડ બુધવારે તૂટી જાય તેવી સંભાવના છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મહારાષ્ટ્રમાં માત્ર ત્રણ જ દિવસમાં ડેઈલી કેસ ૯,૦૦૦ થી ૧૮,૦૦૦ થઈ ગયા છે.

૨૦૨૧માં બીજી લહેર શરુ થઈ ત્યારે છેક ૫૦ દિવસે મુંબઈમાં ડેઈલી કેસનો આંકડો ૧૧,૦૦૦ પર પહોંચ્યો હતો, જયારે ત્રીજી લહેરમાં માત્ર ૧૫ દિવસમાં જ આ રેકોર્ડ તૂટી જવાની સંભાવના છે. મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે ગમે ત્યારે રેસ્ટોરાં અને મોલના સમયમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત, ધાર્મિક સ્થળો અને સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ સ્ટાફની સંખ્યામાં નિયંત્રણ મૂકાઈ શકે છે.

મુંબઈ, થાણે તેમજ પુણે જેવા શહેરોમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જયારે કેટલાક જિલ્લામાં ડેઈલી કેસ હજુ સિંગલ ડિજિટમાં જ છે. તેવામાં જયાં કેસ વધારે છે ત્યાં કડક નિયંત્રણો અમલમાં મૂકવા માટે વિચારણા ચાલી રહી છે. જોકે, હાલ મહારાષ્ટ્રમાં લોકડાઉનની કોઈ સંભાવના નથી તેમ જણાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડ તેમજ ઓકિસજનની ડિમાન્ડને જોતા લોકડાઉનની કોઈ જરુર નથી. જોકે, કેસ એક હદથી વધી ના જાય તે સુનિશ્ચિત કરવા આકરા નિયંત્રણો મૂકાઈ શકે છે.

મુંબઈમાં થઈ રહેલા હોસ્પિટલાઈઝેશનની વાત કરીએ તો, તેમાં એક જ દિવસમાં ૪૫ ટકાનો વધારો થયો છે. સોમવારે શહેરમાં કોરોનાના ૫૭૪ દર્દી એડમિટ થયા હતા, જે આંકડો મંગળવારે વધીને ૮૩૪ પર પહોંચી ગયો હતો. જયારે રવિવારે ૫૦૩ દર્દી એડમિટ થયા હતા. મુંબઈમાં ઉપલબ્ધ ૨૫૭૭ આઈસીયુ બેડમાંથી મંગળવારની સ્થિતિએ ૫૦૭ બેડ ભરાઈ ચૂકયા હતા.

નેસ્કો જમ્બો સેન્ટરના ડીન ડો. નીલમ અન્દ્રાણેના જણાવ્યા અનુસાર, ત્ઘ્શ્ પેશન્ટની સંખ્યા એક જ દિવસમાં ૨૦ થી વધીને ૪૮ થઈ ગઈ છે, જયારે વોર્ડ પેશન્ટ ૫૦૦ થી વધીને ૭૦૦ થયા છે. બુધવાર સુધીમાં આ સેન્ટરમાં બીજો એક હોલ કાર્યરત કરી દેવાશે. એક તરફ BMCના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે નવા કેસોમાં ૮૯ ટકા દર્દીમાં કોઈ લક્ષણ નથી દેખાઈ રહ્યા, જોકે મુંબઈના લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે જો ખરેખર આવું હોય તો હોસ્પિટલમાં એડમિટ થઈ રહેલા દર્દીઓની સંખ્યા કેમ વધી રહી છે?

BMCના એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોમોર્બિડિટી ધરાવતા લોકો સારી સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા છે. જે લોકોના દ્યરે આઈસોલેટ થવાની સુવિધા ના હોય તેઓ પણ એડમિટ થઈ રહ્યા છે. એક કેસમાં કોરોના પોઝિટિવ વૃદ્ઘ દંપતીને લક્ષણો હળવા હોવા છતાં એડમિટ કરવામાં આવ્યું હતું. જોકે, આવા દર્દીને હોસ્પિટલમાં માંડ ૩-૪ દિવસ રાખવામાં આવે છે, અને ત્યારબાદ તેમનામાં દેખાતા લક્ષણો દૂર થઈ જતાં તેઓ ડિસ્ચાર્જ લઈ લે છે.

કોરોનાના કેસોમાં રોકેટ ગતિએ થઈ રહેલા ઉછાળા પાછળ ઓમિક્રોન જવાબદાર છે તે બાબત હવે મુંબઈમાં લગભગ સુનિશ્ચિત થઈ ચૂકી છે. તેવામાં હવે કોર્પોરેશને જિનોમ સિકવન્સ માટે સેમ્પલ મોકલવાનું પણ ઓછું કરી દીધું છે. હાલની સ્થિતિએ મહારાષ્ટ્રમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા ૬૭.૩ લાખ પર પહોંચી છે, જેમાંથી ૧,૪૧,૫૭૩ લોકોનાં મોત થયા છે. હાલ રાજયમાં એકિટવ કેસની સંખ્યા વધીને ૬૬,૩૦૮ પર પહોંચી છે.

(3:28 pm IST)