Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકન અને રશિયન સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી

નવી દિલ્હી, તા.૫: વિદેશ મંત્રી એસ જયશંકરે તેમના અમેરિકન અને રશિયન સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. જયશંકર બંન્ને દેશો સાથે વિવિધ ક્ષેત્રોમાં આયોજિત મંત્રણા કરવા જઈ રહ્યા છે. અગાઉ તેઓ ભારત સાથે બંને દેશોના સંબંધોની સમીક્ષા કરી ચૂક્યા છે.

જયશંકરે મંગળવારે ટ્વીટ કર્યું હતું કે, સોમવારે રાત્રે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે તેમણે વિસ્તૃત વાતચીત કરી હતી. વાતચીતમાં વર્તમાન દ્વિપક્ષીય મુદ્દાઓ, ઈન્ડો-પેસિફિક અને વૈશ્વિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, આ દરમિયાન બંને નેતાઓ દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓનું આદાનપ્રદાન થયું હતું. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે આ ચર્ચા એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વિદેશ અને રક્ષા મંત્રીઓના સ્તરે 'ટુ પ્લસ ટુ' મંત્રણાના આગામી તબક્કાની તૈયારી કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે 'ટુ પ્લસ ટુ' વાટાઘાટ આ મહિનાના અંતમાં અથવા ફેબ્રુઆરીમાં વોશિંગ્ટનમાં થઈ શકે છે. આ સંવાદ ઈન્ડો-પેસિફિક સહિત અનેક મુખ્ય ક્ષેત્રોમાં અને સંરક્ષણ સંશોધન અને ઉત્પાદન ક્ષેત્રે સહકારને માર્ગદર્શન આપવામાં મદદ કરશે.

જયશંકરે અન્ય એક ટ્વિટમાં કહ્યું, 'આજે સાંજે રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ સાથે નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી. વાર્ષિક પરિષદ અને 'ટુ પ્લસ ટુ' મીટિંગ પછી થયેલી પ્રગતિની ચર્ચા કરી. સતત સંપર્ક જાળવવા માટે સંમત થયા હતા.' રશિયન દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી ફોન વાતચીત દરમિયાન, લવરોવ અને જયશંકરે ભારત-રશિયા સમિટના પરિણામોને અનુસર્યા હતા.

(2:40 pm IST)