Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

અસલી 'હીરો' કોણ ? હીરો મોટોને હીરો ઇલેકિટ્રક કોર્ટમાં કેમ ઢસડી ગઇ?

માર્ચમાં હીરોમોટોનું નવું ઇલેકિટ્રક સ્કૂટર લોન્ચ થાય તે અગાઉ મુંજાલ પરિવારમાં કાનૂની ટક્કર : ઇલેકિટ્રક વ્હીકલ્સમાં કંપનીઓનો રસ વધ્યો છે ત્યારે એક જ પરિવારના બે જૂથો વચ્ચે કોર્ટમાં લડાઈ : ૧૦ વર્ષ અગાઉ પરિવારના બિઝનેસ અલગ પડ્યા બાદ બ્રાન્ડ નેમ માટે વિવાદ : હીરો ઇલેકિટ્રક છેલ્લા ૧૫ વર્ષથી ઇલેકિટ્રક વ્હીકલના બિઝનેસમાં છે

નવી દિલ્હી તા. ૫ : હીરો ગ્રૂપના મુંજાલ પરિવારમાં વિવિધ બિઝનેસ માટે સેટલમેન્ટ થયાના એક દાયકા પછી ફરી એક વખત બ્રાન્ડ નેમનું ભૂત ધુણ્યું છે. ઇલેકિટ્રક વ્હીકલ્સમાં કંપનીઓનો રસ વધ્યો છે ત્યારે એક જ પરિવારના બે જૂથો વચ્ચે કોર્ટમાં લડાઈ શરૂ થઈ છે.

હીરો ઇલેકિટ્રકના માલિક વિજય મુંજાલ અને તેમના પુત્ર નવીન મુંજાલ તેમના પિતરાઈ ભાઈ પવન મુંજાલને કોર્ટમાં ઢસડી ગયા છે. પવન મુંજાલ એ ટુ વ્હીલર કંપની હીરો મોટોકોર્પના સીએમડી છે. હીરો મોટોકોર્પ ટૂંક સમયમાં ઇલેકિટ્રક વ્હીકલ રજુ કરવાના છે, તેના બ્રાન્ડ નેમ અંગે બંને જૂથ વચ્ચે ટક્કર શરૂ થઈ છે.

વિજય અને નવીન મુંજાલનુ હીરો ઇલેકિટ્રક છેલ્લા ૧૫ વર્ષથી ઇલેકિટ્રક વ્હીકલના બિઝનેસમાં છે. પરંતુ EV એ અત્યાર સુધી બિઝનેસ સેગમેન્ટમાં ટોચ પર ન હોવાના કારણે બ્રાન્ડના મુદ્દે કોઈ વાંધો આવ્યો ન હતો.

હવે માર્ચ મહિનાથી હીરો મોટોકોર્પ પણ EV સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે ત્યારે વિજય અને નવીન મુંજાલની દલીલ છે કે તેઓ ચ્સ્ ક્ષેત્રમાં બ્રાન્ડ નેમના ઉપયોગ માટે એકસકલુઝિવ અધિકારો ધરાવે છે.

આ વિવાદથી માહિતગાર એક સૂત્રે જણાવ્યું કે, અત્યારે બધાનું ફોકસ EV પર છે તેથી હીરોના નામનો ઉપયોગ કરવો એ બ્રાન્ડનો સવાલ બની ગયો છે. અત્યારે પણ મુખ્ય બ્રાન્ડ તો હીરો જ છે, હીરો ઇલેકિટ્રક નહીં. તેથી સ્પર્ધાત્મક કંપનીઓની પ્રોડકટ માટે પડકાર પેદા થશે.

આ વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે નવીન મુંજાલે આ બાબત કોર્ટમાં હોવાનું જણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

હીરો મોટોકોર્પના પ્રવકતાએ પણ આ વિશે ટિપ્પણી કરી ન હતી. સૂત્રોએ કહ્યું કે બંને પક્ષ વચ્ચે કોઈ કોર્ટ બહાર વાટાઘાટ કરવામાં આવી નથી.

તેમણે જણાવ્યું કે અગાઉ કોઈને ઇલેકિટ્રક વ્હીકલના સેગમેન્ટમાં રસ ન હતો તેથી છેલ્લા ૧૦ વર્ષથી આ વિશે કોઈ વાતચીત થઈ નથી.

હીરો ઇલેકિટ્રકના પ્રમોટર્સ આ મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં ગયા છે. તેમની દલીલ છે કે હીરો મોટો કોર્પને તેના આગામી ઇલેકિટ્રક સ્કૂટર માટે હીરો નામનો ઉપયોગ કરવા દેવો ન જોઈએ.

હીરો ઇલેકિટ્રક એ ભારતની સૌથી મોટી ઇલેકિટ્રક સ્કૂટર અને બાઇક ઉત્પાદકો પૈકી એક છે. ૨૦૧૦માં પરિવારમાં વિભાજન થયું હતું અને તેની સાથે બિઝનેસ પણ વહેંચી દેવામાં આવ્યા હતા.

(2:40 pm IST)