Gujarati News

Gujarati News

News of Wednesday, 5th January 2022

લખીમપુર હિંસા: ચાર્જશીટ દાખલ થતા વિપક્ષોએ ફરી ઉઠાવી કેન્દ્રીય મંત્રીને બરતરફ કરવાની માંગ

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર લખીમપુર ખેરી હિંસામાં આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, અને SIT દ્વારા કેસમાં ચાર્જશીટ દાખલ કર્યા પછી તેમણે કેન્દ્રીય પ્રધાન અજય કુમાર મિશ્રાને ‘ટેની’ને બરતરફ કરવાની માંગ કરી હતી.

લખીમપુર ખેરી હિંસાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ સોમવારે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આ હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.

 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં SIT દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી આશિષ મિશ્રા ‘મોનુ’ ઘટનાસ્થળે હાજર હતો અને તપાસ એજન્સીએ તેને ઘટના માટે જવાબદાર ઠેરવ્યો છે. SITએ આશિષ મિશ્રાને મુખ્ય આરોપી બનાવ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બરતરફ કરવાની માંગ કરતા તેમણે ટ્વીટ કર્યું, ‘5,000 પાનાની ચાર્જશીટનું સત્ય આખા દેશે વીડિયોના રૂપમાં જોયું છે. છતાં મોદી સરકાર આરોપીઓને બચાવવામાં લાગેલી છે. ભારત સાક્ષી છે.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે “ખોટી માફી” અને કૃષિ કાયદાઓ પાછા ખેંચવાથી મોદી સરકારની ખેડૂત વિરોધી માનસિકતાને ઢાંકવામાં મદદ મળશે નહીં.

(12:00 am IST)