Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

સ્વીકાર - સમજણથી તનાવ ઘટે : ભગવાનમાં શ્રધ્ધા રાખો તેમને કર્તાહર્તા સમજો : જીવનમાં બુધ્ધી કરતાં હૃદયનો ઉપયોગ કરો : ૨૪ કલાકમાં ૮+૮+૮નું મહત્વ સમજોઃ ૩H, ૩F, ૩Sની ફોર્મ્યુલા અપનાવો

દેશ - વિદેશમાં 'મોટીવેશન' અંગે પ્રવચનોથી લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર બીપીએસના સ્વામી પૂ. જ્ઞાનવત્સલ સ્વામીની 'અકિલા' સાથે વાતચીત જીવનમાં સંતોષ હોય આનંદ હોય તો જીવનએ દિવ્ય જીવન બને : દરેક માણસ પોતે જ સુખનો ઘડવૈયો છે થોટ પ્રોસેસ યોગ્ય હોય તો દુઃખ આવતું નથી : જુદુ અને ઉંચું વિચારો, તમે જુદા ને ઉંચા થાવ

કાલાવડ રોડ પર આવેલા અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર ખાતે પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ અકિલાના પત્રકાર શૈલેષ દવેને ખાસ મુલાકાત આપી હતી તે સમયની તસ્વીર.

રાજકોટ તા. ૫ : સુખમય - શાંતિમય જીવન કઇ રીતે જીવવું, જીવન જીવવાની કળા કેવી હોવી જોઇએ, કુટુંબમાં સંપ કઇ રીતે રાખવો, બ્રેકઅપ થાય ત્યારે શું કરવું, કઇ રીતે સફળતા મેળવવી, જિંદગીનો તનાવ કઇ રીતે દુર કરવો, હારને કઇ રીતે જીતમાં પરિવર્તિત કરવી, અસ્તિત્વનો આનંદ કઇ રીતે મેળવવો, એક સફળ વ્યાપારી કઇ રીતે બનવું, યુવાનોએ સફળતા મેળવા શુ઼ કરવું, આપણો અભિગમ કેવો હોવો જોઇએ, હોશિયાર કઇ રીતે બનવું વગેરે મુંઝવતા સવાલોનો સચોટ ઉકેલ બતાવતા અને માર્ગદર્શન આપતા બીએપીએસ સંસ્થાના પ્રખર વકતા પૂ. જ્ઞાનવત્સલ સ્વામી ગઇકાલે રાજકોટની ટુંકી મુલાકાતે આવ્યા હતા. એકેડમીક મીકેનીકલ એન્જીનિયરીંગની ડીગ્રી ધરાવતા પૂ. સ્વામીજીએ અમેરિકા, બ્રિટન, સાઉથ આફ્રીકા, ન્યુઝીલેન્ડ, કેનેડા સહિત દેશ-વિદેશના અનેક ભાગોમાં 'મોટીવેશન સ્પીચ' વડે લાખો લોકોનું હૃદય પરિવર્તન કરાવનાર, જીવન બદલનાર અને મુંઝવતા રોજિંદા પ્રશ્નોનો નીવેડો લાવનાર પૂ. સ્વામીએ ૨૦૦૦થી વધુ સ્પીચ આપી છે. તેમને સાંભળવા એક અનેરો લ્હાવો છે. હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષા ઉપર ઉત્કૃષ્ટ પ્રભુત્વ ધરાવનાર પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ સ્વામીનારાયણ મંદિર ખાતે 'અકિલા'ને એક મુલાકાત આપી હતી. જેમાં તેમણે અસ્તિત્વનો આનંદ કઇ રીતે મેળવવો, જીવન કઇ રીતે તનાવમુકત બનાવવું, જીવન જીવવામાં કેવો અભિગમ રાખવો તથા જીવનમાં ૮+૮+૮ અને 3H, 3F, 3Sનું શું મહત્વ છે, સુખેથી શાંતિથી જીવન કઇ રીતે જીવવું એ અંગે વાતચીત કરી હતી.

પ્રખર વકતા, વિચારક અને ફિલોસોફર એવા પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ 'અકિલા'ના વાંચકોને સંદેશ આપતા કહ્યું હતું કે, જીવનના નીતિ - નિયમો - સિધ્ધાંતો સાથે કદી ચેડા ન કરવા જો કરશો તો પ્રશ્નો - સમસ્યા આવશે... આવશે અને આવશે. જો નીતિ નિયમ મુજબ ચાલશો તો અસ્તિત્વનો આનંદ લઇ શકાશે. વર્કલાઇફ બેલેન્સ રાખતા શીખવું જોઇએ. કામ પણ વ્યવસ્થિત કરવું અને અન્ય જવાબદારી પણ નીભાવવી જોઇએ. લોકોએ માત્ર પૈસા થકી જ સફળતા મળે એ પુરતું નથી. જીવનના દરેક ક્ષેત્રમાં એક પિતા તરીકે પત્ની તરીકે પુત્ર તરીકે, બેન તરીકે, મિત્ર તરીકે, પાડોશી, મિત્ર તરીકે સફળતા મેળવવી હોય તો અને અસ્તિત્વનો ભરપુર આનંદ મેળવવા માટે પ્રતિકુળ પરિસ્થિતિમાં સાનુ કૂળ પ્રતિભાવ આપવો જોઇએ. સ્થિરતા રાખવી જોઇએ. દરેકે આ આદત કેળવવી જોઇએ. પ્રસંગો તો દરેકના જીવનના બનવાના છે. પ્લસ (સુખ) અને માઇનસ (દુઃખ) જીવનનો ભાગ છે. દરેક દિવસ સરખો હોતો નથી. રોજ એનો એ જ સૂર્ય ઉગે છે પણ રોજ એનોએ દિવસ દરેક માટે હોતો નથી. જો ભુલ થઇ હોય, સ્વીકારતા શીખવું જોઇએ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્થિર રહેવાય તો તે આપણો માપદંડ છે. કરોડો કમાવ એ માપદંડ નથી. તમારૂ કેટલીવાર એ છે કે, તમે નિષ્ફળતા કઇ રીતે પચાવી શકો છે એ તમારૂ માપદંડ છે.

પૂ. સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, નિષ્ફળતા, સેટબેક, આઘાત, દુઃખએ જીવનનો ક્રમ છે. જેને હેન્ડલ કરતા શીખવું જોઇએ તેને સ્વીકારતા શીખવું જોઇએ. જાત ઉપર ગુસ્સે થવું ન જોઇએ. કોઇપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પાછું નહિ પડવાનું. લોખંડની છાતી રાખીને પરિણામ સ્વીકારી સામે તરત બીજા પ્રયાસ શરૂ કરી દેવું જોઇએ. મહાપુરૂષોની આ રીત છે. એ રીતે ચાલો તો હતાશા - નિરાશા નહિ આવે અને તમે અસ્તિત્વનો આનંદ મેળવી શકાશે. જે બને છે તે ઇશ્વરની ઇચ્છાથી થાય છે તે માનવું જોઇએ. જીવનમાં પ્રશંસાની પણ જરૂર અને ગાલ પર બે લાફા પણ જરૂરી છે. સારો દિવસ છે આનંદ કરો, ખરાબ દિવસ છે શીખી લેવું.

તેમણે કહ્યું હતું કે, સુખી અને શાંતિથી જીવન જીવવા માટેની એક ફોર્મ્યુલા છે જે ૮+૮+૮ લોકો પાસે જીવન જીવવા માટે ૨૪ કલાક હોય છે જેના ૩ ભાગ પાડવા જોઇએ. પ્રથમ ૮ કલાકમાં પ્રમાણિક, નૈતિક અને પુરૂષાર્થ તમારા વ્યવસાયમાં, બીજા ૮ કલાક સારી રીતે સૂવું અને આરામ કરવો જોઇએ અને ત્રીજા ૮ કલાક અગત્યના છે જે જીવતા આવડે તો અસ્તિત્વનો આનંદ મળે અને તે જીવતા ન આવડે તો તમે જીવન હારી જશો. ત્રીજા ૮ કલાકમાં 3H, 3F અને 3Sનું સૂત્ર દરેકે જીવનમાં ઉતારવું જોઇએ અને તે છે 3H (હેલ્થ, હોબી, હાઇજીન), 3F (ફેમીલી, ફ્રેન્ડસ અને ફેઇથ) તથા 3S (સ્માઇલ, સેવા અને સોલ). દિવસ આ રીતે જીવતા શીખવું જોઇએ. ૮+૮+૮ની ફોર્મ્યુલા - સીસ્ટમમાં રહેશો તો લાઇફમાં બેલેન્સ આવશે અને આ બેલેન્સ આવશે તે આનંદ મળશે. જીવન સ્થિર રહેશે અને અસ્તિત્વનો આનંદ તમે માણી શકશો. મહાપુરૂષો આ રીતે જીવતા હતા.

અત્રેના કાલાવડ રોડ ખાતે સ્વામીનારાયણ મંદિર ખાતે સાંજે તેમણે કહ્યું હતું કે, વિશ્વનો સૌથી ધનાઢય વ્યકિત વોરેન બફેટ સાંજે ૬ પછી કામ કરતા નથી. ૬થી ૯ ફેમીલી મેન તરીકે જીવે છે અને ૯ થી ૧૦.૩૦ આત્મા બની જીવે છે. આપણે તેમની જેમ જીવી કેમ ન શકીએ.

તેમણે કહ્યું હતું કે, તનાવને કઇ રીતે મેનેજ કરવો જોઇએ જે આજે સૌ જાણવા માંગે છે. કયારેક સંજોગો સ્ટ્રેસ ઉભા કરતા હોય છે. જેના માટે તમે જવાબદાર નથી હોતા કે જેનાથી ફીઝીકલ, મેન્ટલ અને ઇમોશ્નલ ડેમેજ આવે ત્યારે તે તનાવ ઉભો કરે છે તેને કઇ રીતે મેનેજ કરવો એ મહત્વનો છે. સ્ટ્રેટ એ જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. તેને જો મેનેજ કરો તો જીવન સારી રીતે જીવી શકાય. તનાવ જીવનમાં ન આવે એવી શકયતા નથી પણ તે ઘટી શકે તેવી શકયતા છે તેને મેનેજ પણ થઇ શકે છે. દરેકની પાસે જીવનની કિંમત હોવી જોઇએ. નોકરી - ધંધામાં ગેરરીતિ કરશો તો તનાવ આવશે. અનૈતિકતા તનાવ લાવે છે તેનાથી દુર રહેવું જોઇએ. જીવનમાં હકીકતનો સ્વીકાર અને પરિસ્થિતિમાં સમજણ એ સ્ટ્રેસ ઘટાડે છે. દરેક બાબતનો સ્વીકાર કરતા શીખવું જોઇએ. તનાવનું મેનેજમેન્ટ કરવા કમ ખાવું ગમ ખાવું જોઇએ. ભગવાનમાં શ્રધ્ધા રાખવી જોઇએ. ભગવાનને કર્તાહર્તા સમજવા જોઇએ તો ટેન્શન દુર રહે છે જે થાય છે તે ભગવાનની ઇચ્છાથી થાય છે. મારા સારા માટે કરે તેવો વિચાર બધા તનાવને દુર કરશે. આ વિચારમાં અનેરી તાકાત છે.

પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું હતું કે, અદ્ભૂત, અદ્વિતીય અને દિવ્ય જીવન જીવવાની દરેક વ્યકિતની ઇચ્છા હોય છે. જે જીવનકાળ દરમિયાન તમે જે સમાજને આપો તમારી સમાજ સેવા સદીઓ સુધી સમાજને લાભ આપે એ ઇનક્રેડીવાલ લાઇફનું પ્રથમ પગથીયું છે. આપણું જીવન ચારીત્રયુકત, નિસ્વાર્થ બનાવવું જોઇએ. જીવનમાં સ્થિરતા હોય, નીતિમતા હોય, સિધ્ધાંત હોય જેનાથી અન્યોને પ્રેરણા મળે તે ઇનક્રેડીબલ લાઇફ છે. જે જીવનમાં ભગવાન પ્રત્યે શ્રધ્ધા હોય, તેની સાથે સંબંધનો આનંદ હોય તે ઇનક્રેડીબલ લાઇફ છે. સંતોષ અને આનંદ જીવનમાં હોય એ આપણુ દિવ્ય જીવન છે.

સુખમય અને શાંતિમય જીવન જીવવાના ઉપાયો દર્શાવતા સ્વામીજીએ કહ્યું હતું કે, દરેક માણસ પોતાના સુખનો ઘડવૈયો છે. જીવનમાં સુખી રહેવું કે દુઃખી રહેવું એ સંપૂર્ણ વ્યકિતના હાથમાં છે. જો થોટ પ્રોસેસ યોગ્ય હોય તો દુઃખ આવતું નથી દરેક સારા છે દરેક સાચા છે તે માનવું જોઇએ. સૌ સાથે લાગણી - પ્રેમથી રહેવું જોઇએ કારણ કે આપણુ જીવન ટુંકુ છે. તેમણે ઉમેર્યું હતું કે, જીવનના પાનખરમાં વસંત લાવવી હોય તો બુધ્ધિ કરતાં હૃદયનો ઉપયોગ વધુ કરવો જોઇએ... મગજ દરેક વ્યકિતએ ૯ થી ૬ ઓફિસમાં વાપરવું જોઇએ. સવારે ૯ સુધી અને સાંજે ૬ પછી પરિવાર - મિત્ર સાથે વાપરવું જોઇએ. હૃદય - આનાથી જીવનમાં આનંદ આવશે.

સૌરાષ્ટ્રમાં વ્યસની લોકોનું પ્રમાણ વધારે છે. એ અંગે ચિંતા વ્યકત કરતા પૂ. સ્વામીએ કહ્યું હતું કે, વ્યસનથી બરબાદી આવે છે, પ્રગતિ અટકે છે, પરિવારની બરબાદી થાય છે. લોકોએ તંદુરસ્ત અને વ્યસનમુકત જીવન જીવવું જોઇએ.

પૂ. સ્વામીએ લોકોને ખાસ કરીને યુવાનોને થીંક ડીફ્રન્ટ, બી ડીફ્રન્ટનું સૂત્ર આપ્યું હતું. જીવનકાળમાં જુદા અને ઉંચા વિચારો રાખવા જોઇએ. તેવું તેમણે કહ્યું હતું. ઉંચું વિચારશો તો તમે ઉંચા બની શકશો. ઇતિહાસના પાના આપના સાક્ષી છે.

અહેવાલ

શૈલેષ દવે

(5:09 pm IST)