Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ખાળે ડુચા અને દરવાજા મોકળા જેવી સ્થિતિ ગુજરાતમાં

બલિહારી ગુજરાત સરકારની : આખી એકસામિનેશન સિસ્ટમ જ ચાલે છે બહારથી

પ્રાઇવેટ એજન્સીઓ સંભાળે છે પેપર સેટથી એકઝામ સુધીનું કામકાજ

અમદાવાદ તા. ૪ : રાજય સરકારની જુદી જુદી જગ્યામાં પારદર્શી ભરતીના દાવા હેઠળ અનેકવાર પેપર લીક થઈ ચૂકયા છે. પછી તે શિક્ષકોની ભરતી માટેની TAT હોય કે તલાટીની પરીક્ષા હોય કે પછી લોક રક્ષક દળની ભરતી હોય. તેમ છતા ગુજરાત સરકારને હજુ સુધી એકવાર પણ પોતાની એકઝામિનેશન સિસ્ટમને સુધારવાની ઈચ્છા નથી થઈ લાગતી.

ગુજરાત સરકારે સમગ્ર પરીક્ષા પ્રોસેસ જ આઉટસોર્સ કરી દીધી છે. જેમાં પેપર સેટ કરવાથી લઈને પરીક્ષા લેવા સુધીની બાબત છે. આ બધુ કામ હવે પ્રાઈવેટ એજન્સીઝ કરે છે અને આવી એજન્સી અને તેના માણસોને રુપિયાની લાલચ આપીને ખૂબ સહેલાઈથી ફોડી શકાય છે. તાજેતરનો દાખલો લઈએ તો લોક રક્ષક દળનું પેપર દિલ્હીથી ફૂટ્યું. તેની પાછળ ચોક્કસપણ એકઝામની જેની જવાબદારી હતી તે પ્રાઇવેટ એજન્સી તરફ સમગ્ર પુરાવા ઈશારો કરી રહ્યા છે. ૨૦૧૫માં પણ તલાટીની પરીક્ષાના પેપર લીક માટે ગાંધીનગર ખાતેની એક પ્રાઇવેટ એજન્સી ગુજરાત એન્ટરપ્રાઇઝ વિરુદ્ઘ ગુનો નોંધવામાં આવ્યો હતો. તો પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન અને RSSના વરિષ્ઠ નેતા ગીરીશ શર્માએ રાજકીય દબાણા કારણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. અડધો ડઝનથી વધુ આવા પેપર લીકના બનાવો અને એક ડઝનથી વધુ આ પ્રકારના ગુના નોંધાયા છતા સરકારના કામ કરવાની પદ્ઘતીમાં કોઈ જ સુધારો આવ્યો નથી.

(11:41 am IST)