Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભારત - પાકિસ્તાન વચ્ચે કોઇ પણ પરિસ્થિતિમાં યુધ્ધ શકય નથી : ઇમરાન ખાન

કાશ્મીર મુદ્દે ચર્ચા કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે વાતચીત એકમાત્ર રસ્તો છે

ઇસ્લામાબાદ  તા. ૪ : ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કાશ્મીર મુદ્દે બંન્ને દેશો વચ્ચે અનેક યુદ્ઘો પણ થઇ ચુકયા છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને આ મુદ્દે ચર્ચા કરતા કહ્યું કે, યુદ્ઘ કાશ્મીર મુદ્દાનો ઉકેલ નથી. ઇમરાને પત્રકારોને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, કાશ્મીર મુદ્દાને યુદ્ઘથી નહી પરંતુ વાતચીત દ્વારા જ ઉકેલ આવી શકે છે.

જયા સુધી કોઇ વાતચીત ચાલુ નથી થતી, ત્યા સુધી કાશ્મીર મુદ્દાને ઉકેલવાનાં અલગ અલગ વિકલ્પો પર ચર્ચા થઇ શકે નહી. આ મુદ્દાને ઉકેલવાની ફોર્મ્યુલા અંગે પુછવામાં આવતા ઇમરાને કહ્યું કે, તેનો બે કે ત્રણ વર્ષમાં સમાધાન છે, જે અંગે ચર્ચા કરવામાંઆવી છે. જો કે તેમણે આ અંગે વધારે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું અને કહ્યું કે, આ અંગે હાલ કોઇ પણ ચર્ચા કરવી ખુબ જ ઉતાવળ ગણાશે.

ભારત સાથે કાશ્મીર કે અન્ય કોઇ મુદ્દે યુદ્ઘની શકયતાઓ અંગે પુછાતા તેમણે યુદ્ઘની શકયતાઓને ફગાવતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, પરમાણુ હથિયાર સંપન્ન બે દેશો યુદ્ઘ કયારે પણ કરી શકે નહી. કારણ કે તેનું પરિણામ હંમેશા ખતરનાક હોય છે. તેમણે કહ્યું કે, ભારતની સાથે શાંતિપુર્ણ સંબંધન બનાવવા માટે પાકિસ્તાન ખુબ જ ગંભીર છે. પાકિસ્તાનની સેના અને તેમની સરકાર પણ આવી જ ઇચ્છા ધરાવે છે. (૨૧.૭)

 

(10:06 am IST)