Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જગનો તાત થશે આનંદિત - ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં મોદી સરકારે કર્યો દોઢ ગણો વધારો : કેબિનેટે આપી મંજૂરી : ખાદ્ય સબસિડી બિલમાં થશે વધારો : ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કરી જાહેરાત

નવી દિલ્હી : આગામી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. સુત્રોના અનુસાર ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની કેબિનેટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી ખેડૂતોને એમના પાકનું વધુ વળતર મળી શકશે. કેબિનેટની બેઠકમાં અનાજ, દાળ, સોયાબીન, મગફળી અને મકાઇ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવ સુધારવા મંજૂરી આપી છે. જોકે આ માટે કઇ ફોર્મ્યુલા અપનાવાશે એ અંગે હજુ ખુલાસો કરાયો નથી. કેબિનેટના આ નિર્ણય અંગે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરાશે. 

અનાજ માટે દોઢ ગણાથી વધુનો ટેકાના ભાવમાં વધારો કરાયો છે. અનાજ પર MSP (લઘુત્તમ સપોર્ટીંગ પ્રાઇઝ)માં 200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. પ્રતિ ક્વિન્ટલે આ ભાવ વધારો જાહેર કરાયો છે. જેમાં સૌથી વધુ મગની દાળની ખરીદીમાં ક્વિન્ટલે 1400 રૂપિયાનો વધારો જાહેર કરાયો છે 

કયા પાકમાં ટેકાના ભાવમાં કેટલો વધારો કરાયો? :

-જુવારમાં પ્રતિ ક્વિન્ટલ 73 રૂપિયાનો વધારો
-બાજરીમાં 525નો વધારો
-મગની દાળમાં સૌથી વધુ 1400નો વધારો
-મકાઇમાં 275નો વધારો
-કોટન (મીડિયમ સ્ટેપલ)માં પ્રતિ ક્વિન્ટલ 1130નો વધારો
-કોટન (લોંગ સ્ટેપલ)ના એમએસપીમાં ક્વિલન્ટલે 1130નો વધારો
-મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ 440 રૂપિયાનો વધારો
-સોયાબીનમાં 349નો વધારો
-અડદના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 200 રૂપિયાનો વધારો
-તુવેરમાં પ્રતિ ક્વિન્ટલ 225 રૂપિયાનો વધારો
-રાગીમાં 997 રૂપિયાનો વધારો
-સુરજમુખીમાં પ્રતિ ક્વિન્ટલ 1288 રૂપિયાનો વધારો

2016-17ના (ઓક્ટોબર-સપ્ટેમ્બર)ના ખરીદ આંકડાના હિસાબે અનાજની MSP વધવાથી ખાદ્ય સબસિડી બિલમાં 11,000 કરોડ રૂપિયાનો વધારો થશે. અત્રે જણાવવાનું કે ખાદ્યાન્નની ખરીદી અને વિતરણ માટે સરકાર નોડલ એજન્સી ભારતીય ખાદ્ય નિગમ (એફસીઆઈ) ખેડૂતો પાસેથી એમએસપી પર ઘઉં અને ચોખા ખરીદે છે અને ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજની આપૂર્તિ કરે છે.

(2:59 pm IST)