Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પાકિસ્તાનઃ નેશનલ એસેમ્બલી અને વિધાનસભાની ૮૪૯ બેઠક માટે ૧૧૮૦૦થી વધુ ઉમેદવાર મેદાનમાં

૨૫ જુલાઈના રોજ ચૂંટણી

ઈસ્લામાબાદ, તા.૪: પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય વિધાનસભાની કુલ ૮૪૯ સામાન્ય બેઠકો પર ૨૫ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. જેની માટે ૧૧ હજાર ૮૫૫ ઉમેદવારો તેમનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. પાકિસ્તાન ચૂંટણી પંચે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જે મુજબ નેશનલ એસેમ્બલીની ૨૭૨ બેઠકો ઉપર ૩ હજાર ૪૫૯ ઉમેદવારો ચૂંટણી લડશે.ચાર પ્રાંતીય વિધાનસભાની ૫૭૭ બેઠકો માટે ૮ હજાર ૩૯૬ ઉમેદવારો મેદાનમાં છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૪૨ સભ્યો છે. જે પૈકી ૨૭૨ સીધા ચૂંટાઈને આવે છે. જયારે ૬૦ બેઠકો મહિલાઓ માટે અને ૧૦ બેઠકો ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષિત રાખવામાં આવે છે.

પાકિસ્તાની અખબારના જણાવ્યા મુજબ આંકડાઓ ઉપર નજર કરીએ તો જાણવા મળશે કે, વર્ષ ૨૦૧૩ની સામાન્ય ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૩માં ૧૫ હજાર ૬૨૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં હતા. જે પૈકી ૪ હજાર ૬૭૧ ઉમેદવારો નેશનલ એસેમ્બલી માટે હતા અને ૧૦ હજાર ૯૫૮ ઉમેદવારો પ્રાંતીય એસેમ્બલીની ચૂંટણી લડી રહ્યાં હતાં. અખબારના જણાવ્યા મુજબ રોચક વાત એ છે કે, આગામી ચૂંટણીમાં મોટા રાજકીય પક્ષોનું નેતૃત્વ કરનારા નેતાઓ અને અન્ય રાજકીય પક્ષોના મોટા નેતાઓ એકથી વધુ બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યાં છે.

(11:24 am IST)