Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ત્રિપલ તલાક મુદે રાજયસભામાં હંગામો : ભાજપ પાસે માત્ર એક'દિ નો સમય

નવી દિલ્હી, તા. ૪: ત્રિપલ તલાક બિલને લઇને રાજયસભામાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસ બિલને ક્રિમિનલાઇઝ કરવાના વિરોધમાં છે. બિલને પસંદગી સમિતિને મોકલવાની માગ કરી રહી છે. સરકાર તેના વિરોધમાં છે. બિલને લઇને અરૃણ જેટલીએ રાજયસભામાં મજબૂત દલીલો કરી હતી. જેટલીએ કહ્યું કે બિલને પસંદગી સમિતિ સમક્ષ મોકલવાની કોંગ્રેસની માંગ નિયમ વિરૃધ્ધ છે.

વધુમાં તેમણે કહ્યું કે બિલને લઇને પ્રસ્તાવ ૨૪ કલાક પહેલા આપવો જોઇતો હતો. તો સામે પક્ષે કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે કોંગ્રેસ બિલના વિરોધમાં નથી પરંતુ બિલને ક્રિમિનલાઇઝ કરવાના વિરોધમાં છે. જેને  લઇને એક મહિના માટે બિલને પસંદગી સમિતિ સમક્ષ મોકલવાની માંગ કરી રહી છે. સરકાર કોઇ પણ રીતે આ જ સત્રમાં બિલને પાસ કરાવવા માંગે છે.

રાજયસભામાં હાલ ૨૩૮ સાંસદો છે. જેમાંથી ૧૩૭ સાંસદો ત્રિપલ તલાક બિલના વિરોધમાં છે, જયારે ૭૯ સાંસદો બિલના સમર્થનમાં છે, તો ૨૨ સાંસદો એવા છે, જેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યુ નથી. રાજયસભામાં બંને પક્ષે જોરદાર દલીલો બાદ હંગામો થતા સદનની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત છે.

હવે ભાજપ પાસે બિલ પસાર કરવા માટે હવે માત્ર આવતીકાલનો દિવસ છે. ત્યારે કોંગ્રેસ શાહબાનો કેસનું પુનરાવર્તન કરે છે કે બિલને પાસ કરીને લઘુમતિ મહિલાઓ વિરોધી પોતાની છબી સુધારે છે.

(8:27 pm IST)