Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ભારતીય રાજદ્વારીની કુલભુષણ જાધવ સાથે બે કલાક સુધી ચર્ચા થઇ

પાકિસ્તાનમાં ગુપ્ત સ્થળ પર મંત્રણા યોજવામાં આવી : પાકિસ્તાને છેલ્લી ઘડીએ સ્થળ બદલીને ફરી હરકત કરી

ઇસ્લામાબાદ,તા.૨ : પાકિસ્તાનની જેલમાં ત્રણ વર્ષથી વધુ સમયથી રહેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવની મુલાકાત ભારતીય રાજદ્વારીઓ સાથે ખતમ થઇ ચુકી છે. આ મુલાકાત એક સબ જેલમાં કરાવવામાં આવી હતી. નિર્ધારિત સમય કરતા એક કલાક વધારે વિલંબથી અધિકારીઓને તેમને મળવાની મંજુરી આપવામાં આવી હતી. બીજી બાજુ એવા અહેવાલ પણ આવ્યા છે કે, પાકિસ્તાને મુલાકાતની જગ્યા પણ બદલી હતી. આ પહેલા ભારતીય રાજદ્વારી ગૌરવ આહલુવાલિયાની બેઠક પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની મુખ્ય ઓફિસમાં યોજવાની વાત કરવામાં આવી હતી પરંતુ પાકિસ્તાને નાપાક હરકતો જારી રાખીને કોઇ ગુપ્ત સ્થળ પર મિટિંગ કરાવી હતી. સરકારી સુત્રોના કહેવા મુજબ બે કલાકનો સમય જાધવને મળવા માટે આપવામાં આવ્યો હતો. ભારતે આશા વ્યક્ત કરી હતી કે, સારા માહોલમાં મુલાકાત શક્ય બનાવવા માટે પાકિસ્તાન તરફથી સહકાર કરવામાં આવશે પરંતુ આ આશા યોગ્ય દેખાઈ ન હતી.

       ભારતના રાજદ્વારી ગૌરવ આહલુવાલિયા પહેલા પાકિસ્તાની વિદેશ મંત્રાલયમાં પહોંચ્યા હતા. પ્રવક્તા મહેમુબ ફેસલને મળ્યા હતા. પહેલા રાજદ્વારીઓની જાધવથી મુલાકાત બીજી ઓગસ્ટના દિવસે થનાર હતી પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો ખરાબ થયા બાદ તેને રદ કરી દેવામાં આવી હતી. આહલુવાલિયાએ આશા વ્યક્ત કરી હતી કે, આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ હેઠળ અમે આશા રાખી રહ્યા છીએ કે, પાકિસ્તાન તરફથી અમને સહકાર મળશે. પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તાએ રવિવારના દિવસે કહ્યું હતું કે, જાધવને કાઉન્સિલર એક્સેસની સુવિધા આપવામાં આવશે. આ સંદર્ભમાં હજુ સુધી વધારે માહિતી મળી શકી નથી પરંતુ મિટિંગને લઇને આંશિક રાહત થઇ છે.

(12:00 am IST)