Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મોદી શાસનમાં કેટલી રકમ ડુબી : ચિદમ્બરમનો સવાલ

મોદીના નિવેદન બાદ ચિદમ્બરમના વળતા પ્રહાર : સંસદમાં પણ અનેક વખત પ્રશ્નો કરાયા છે પરંતુ સરકાર વતી જવાબ અપાયો નથી : ચિદમ્બરમના તેજાબી આક્ષેપો

નવી દિલ્હી, તા. ૨ : ઉત્તરપ્રદેશના શાસનકાળમાં  આપવામાં આવેલી લોન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર વળતા પ્રહાર કરતા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે આજે કહ્યું હતું કે, એનડીએ સરકારને આ બાબતનો ખુલાસો કરવો જોઇએ કે, તેમના સમયગાળામાં આપવામાં આવેલી કેટલી લોન ડુબી ગઈ છે. કોંગ્રેસી નેતાએ આ સંબંધમાં કેટલાક ટ્વિટ કર્યા છે. પોતાના ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યું છે કે, મે ૨૦૧૪ બાદ કેટલી લોન આપવામાં આવી છે અને તેમાંથી કેટલી રકમ ડુબી ગઈ છે અથવા તો આ રકમ એનપીએ થઇ ગઇ છે તે સંદર્ભમાં સરકારે ખુલાસો કરવો જોઇએ. ચિદમ્બરમે કહ્યું હતું કે, આ પ્રશ્ન સંસદમાં પણ પુછવામાં આવ્યો હતો પરંતુ આને લઇને હજુ સુધી કોઇપણ જવાબ આપવામાં આવ્યો નથી. ગઇકાલે વડાપ્રધાને એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વમાં અગાઉની યુપીએ સરકારને એનપીએ માટે જવાબદાર ઠેરવી શકાય છે. મોદીએ કહ્યું હતું કે, ૧૨ મોટા ડિફોલ્ટરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમના ઉપર ૧.૭૫ લાખ કરોડ રૂપિયાની લોન છે. તેમને ૨૦૧૪ પહેલા લોન આપવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે, અન્ય ૨૭ મોટા ડિફોલ્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમના ઉપર આશરે એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ચિદમ્બરમે કહ્યું હતું કે, મોદી જ્યારે કહે છે કે, યુપીએ સરકારના ગાળામાં આપવામાં આવેલી લોન ડુબી ગઈ છે ત્યારે જો આ વાતને માની લેવામાં આવે તો પણ તેમાંથી કેટલી રકમ વર્તમાન એનડીએ સરકારના ગાળામાં ડુબી છે તે અંગે પણ સ્પષ્ટતા કરવી જોઇએ. પૂર્વ નાણામંત્રીએ કહ્યું હતું કે, એવી લોન પરત કેમ લેવામાં આવી રહી નથી. અગાઉની લોનને એવરગ્રીન કેમ કરવામાં આવી છે. એવરગ્રીન લોન એ પ્રકારની લોન હોય છે જેમાં એક ખાસ અવધિની અંદર મૂળભૂત રકમની ચુકવણી કરવાની જરૂર પડતી નથી.

(12:00 am IST)