Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

મેહુલ ચોક્સીની ૧૨૧૦ કરોડ રૂપિયાની ૪૧ પ્રોપર્ટી જપ્ત થઇ

પીએમએલએ ઓથોરિટી દ્વારા ખુલાસો કરાયો : શ્રેણીબદ્ધ સંપત્તિઓ હજુ પણ ટાંચમાં લેવાની તૈયારીઓ

નવી દિલ્હી, તા. ૨ : નિયુક્ત પીએમએલએ ઓથોરિટીએ ઠેરવ્યું છે કે, ફરાર થયેલા ડાયમંડ જ્વેલર મેહુલ ચોક્સી અને તેમની એસોસિએટ્સ કંપનીઓના નામમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટાંચમાં લેવામાં આવેલી ૧૨૧૦ કરોડ રૂપિયાની કિંમતની ૪૧ પ્રોપર્ટી મની લોન્ડરિંગ સંપત્તિ છે અને આદેશ અપાયો છે કે, આ સંપત્તિને ટાંચમાં લેવાની પ્રક્રિયા જારી રાખવી જોઇએ. મેહુલ ચોક્સીની પ્રોપર્ટી મની લોન્ડરિંગ સંપત્તિ તરીકે છે. આ અંગેની સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ મેહુલ ચોક્સીની તકલીફમાં વધુ વધારો થયો છે. કેન્દ્રીય તપાસ સંસ્થાએ મુંબઈમાં ૧૭ ઓફિસ, ૧૫ ફ્લેટ, કોલકાતામાં એક મોલ, અલીબાગમાં એક ચાર એકરના ફાર્મ હાઉસ, નાસિક, નાગપુર, મહારાષ્ટ્રમાં પાનવેલ, તમિળનાડુમાં વિલ્લુપુરમ જેવા સ્થળો ઉપર ૨૩૧ એકર જમીન ટાંચમાં લેવામાં આવી ચુકી છે. મુંબઈ સ્થિત પંજાબ નેશનલ બેંકની શાખામાં બે અબજ ડોલરના ફ્રોડના સંબંધમાં પ્રવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મેહુલ ચોક્સીની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે. ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી મૂળભૂત ફરિયાદને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. મની લોન્ડરિંગમાં સામેલ તમામ પ્રોપર્ટીને ટાંચમાં લેવામાં આવી રહી છે. આગામી દિવસો મેહુલ ચોક્સી માટે પડકારરુપ રહી શકે છે. સુત્રોનું કહેવું છે કે, આગામી દિવસોમાં ઇડી દ્વારા અન્ય સંપત્તિઓને પણ જપ્ત કરવાની દિશામાં આગળ વધવામાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થાઓ દ્વારા ચોક્સી, તેમની કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ, એસોસિએટ્સ કંપનીઓ, તેમના સાથીઓ સામે ક્રિમિનલ તપાસના ભાગરુપે આ સંપત્તિ જપ્ત કરવા માટે આદેશ જારી કરવામાં આવી ચુક્યા છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં હૈદારાબાદની રંગારેડ્ડી જિલ્લામાં ૫૦૦ કરોડ રૂપિયાની ૧૭૦ એકર પાર્ક જમીનનો પણ સમાવેશ થાય છે.

(7:45 pm IST)