Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

કુલભુષણ મુદ્દે પાકની કોઇ શરતો નહીં સ્વીકારાય

પાક. સરકારે મુકેલી શરતો ભારતે ફગાવી

નવી દિલ્હી, તા. ૩ : કુલભૂષણ જાધવને વકીલ આપવાના ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશ પછી પાકિસ્તાન સરકારે ભારત સામે શરતો મૂકી હતી. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પાકિસ્તાનની કોઈ શરતો સ્વીકારવામાં આવશે નહીં.

આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસે પાકિસ્તાની જેલમાં જાસૂસીના આરોપ હેઠળ બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને કાઉન્સેલર આપવાનો આદેશ પાકિસ્તાન સરકારને કર્યો હતો. અગાઉ પાકિસ્તાને અયોગ્ય રીતે કેસ ચલાવીને કુલભૂષણને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો હતો. એના ઉપર આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્ટે મૂકયો હતો.

કોર્ટના આદેશ પછી પાકિસ્તાન ન છૂટકે કુલભૂષણને વકીલ આપવા તૈયાર થયું હતું. પરંતુ પાકિસ્તાને એમાં લુચ્ચાઈ કરીને ભારત સમક્ષ શરતો મૂકી હતી. કુલભૂષણ જાધવ ભારતીય કાઉન્સેલરને મળે ત્યારે પાકિસ્તાનના અધિકારીઓ હાજર રહેશે.

પાકિસ્તાનના અધિકારીઓ હાજર નહીં હોય તો કાઉન્સેલર કુલભૂષણને મળી શકશે નહીં એવી બધી શરતોનું પાલન થાય તો જ કુલભૂષણને કાઉન્સેલ મળે એવો પ્રસ્તાવ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતના વિદેશ મંત્રાલય સમક્ષ મૂકયો હતો.

એના જવાબમાં ભારતે મક્કમતાથી કહ્યું હતું કે ભારત કોઈ શરતોનું પાલન કરશે નહીં. પાકિસ્તાનની સરકાર આંતરરાષ્ટ્રીય કોર્ટના આદેશ પ્રમાણે કુલભૂષણને બિનશરતી વકીલ આપે.

ભારત પાકિસ્તાનની કોઈ જ શરતો સ્વીકારશે નહીં. પાકિસ્તાન ફરીથી ૪૨ પાનાના ચુકાદો વાંચે તે યોગ્ય રહેશે. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારતે જે જવાબ આપ્યો છે તેનો વળતો ઉત્ત્।ર પાકિસ્તાન મોકલશે તે પછી ભારત આ દિશામાં આગળની કાર્યવાહીનો વ્યૂહ ઘડશે.

(1:21 pm IST)