Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

એક યુનિવર્સીટીમાં ૧૦૦ થી વધારે કોલેજ નહીં રખાયઃ સંખ્યા વધે તો બીજી નવી યુનિવર્સીટી બનાવાશે

ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા મહત્વપુર્ણ નિર્ણય

નવી દિલ્હી તા.૩: હવે એક યુનિવર્સીટીમાં ૧૦૦ થી વધારે કોલેજો નહી રખાય. જો કોલેજોની સંખ્યા વધશે તો તેના માટે અલગ યુનિવર્સીટીની રચના કરવામાં આવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ઉચ્ચ શિક્ષણમાં ગુણવતા, આંતર રાષ્ટ્રીય રેકીંગમાં સુધારા, શોધ કાર્યો વધારવા અને વિદ્યાર્થીઓને સારૂશિક્ષણ અને સુવિધાઓ આપવાના ઉદ્દેશથી આ નવી નીતિ તૈયાર કરી છે. આ નીતિ હેઠળ એક યુનિવર્સિટીમાં ફકત ૧૦૦ કોલેજોને માન્યતા આપવાની યોજના છે. તેનો મકસદ યુનિવર્સીટી સહીત કોલેજોમાં વિભીન્ન યોજનાઓને પ્રભાવક રૂપે અમલી બનાવવાનો છે.

આ નીતિમાં રાજ્યો માટે મોડલ સ્ટેટ પબ્લિક યુનિવર્સીટી એકટ બનાવવાની યોજના છે. તેના હેઠળ જો રાજયો યુનિવર્સીટીની રચના કરે તો કેન્દ્ર તેને આર્થિક મદદ કરશે. આવી યુનિવર્સીટી જે તે રાજયના ઉચ્ચ શિક્ષણ વિભાગની સ્ટેટ કાઉન્સીલ હેઠળ રચવામાં આવશે. તેમાં યુનિવર્સીટીની રચના, કુલપતિ અને શિક્ષકોની પસંદગી માટેના નિયમો બનાવવાનો અધિકાર સ્ટેટ કાઉન્સીલનો રહેશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એક યુનિવર્સીટીમાં ૧૦૦ કોલેજોને માન્યતા આપવા માટે યુજીસી એકટ હેઠળ માન્યતાના નિયમોમાં ફેરફાર કરાશે. વિદ્યાર્થીઓની સંખ્યા અને જરૂરિયાતના આધારે નવી યુનિવર્સિટીઓની રચના કરવામાં આવશે. જો આવું શકય ન બને તેમ હોય તો ૧૦૦ થી વધારે કોલેજવાળી યુનિવર્સીટીમાં પ્રો વાઇસ ચાન્સેલરની નિમણૂંક કરવામાં આવશે જેથી તે કુલપતિની સાથે રહીને કામ કાજમાં મદદ કરી શકે.

(11:30 am IST)