Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

કાશ્મીર ખીણમાં અફડાતફડીનો માહોલઃ રાશન- દવા - શાકભાજી -પેટ્રોલ વગેરે ખરીદવા લોકો ઉમટી પડયાઃ એટીએમ ઉપર પણ લાંબી લાંબી લાઈનો

એડવાઈઝરી બાદ અફવાઓનું બજાર ગરમઃ લોકોમાં ડરનો માહોલ

નવી દિલ્હી, તા. ૩ :. કાશ્મીર ખીણમાં યાત્રીકો તથા પર્યટકોને બહાર નીકળ વાની જાહેર થયેલી અડવાઈઝરી બાદ અફવાઓનું બજાર ગરમ થઈ ગયુ છે. કાશ્મીરની સાથે જમ્મુ, રાજૌરી, ડોડા, કીસ્તવાડ, રામબન વગેરે જિલ્લાઓમાં અફડાતફડીઓનો માહોલ ઉભો થઈ ગયો છે. લોકોમાં કંઈ અજુગતુ થવાની આશંકા ઉભી થઈ છે. રોજબરોજની ચીજવસ્તુઓ લેવા લોકો પડાપડી કરી રહ્યા છે તો પેટ્રોલ પંપો પર લાંબી લાંબી લાઈનો લાગી રહી છે.

શ્રીનગરના અનેક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખલાસ થઈ ગયુ છે માત્ર ડીઝલનો સ્ટોક બચ્યો છે. એટીએમ ઉપર પણ લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. દવાની દુકાને લોકો દવા લેવા ઉમટી પડયા છે. કરીયાણુ અને શાકભાજી લેવા પણ લોકો પડાપડી કરી રહ્યા છે.

વિવિધ અફવાઓ વચ્ચે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. શ્રીનગર સહિત સમગ્ર ખીણમાં સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવી છે. સલામતી દળોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સોશ્યલ મીડીયા પર વિવિધ પ્રકારની અફવાઓનો મારો ચાલ્યો છે. લોકોને અફવા પર ધ્યાન નહી દેવા જણાવવામાં આવ્યુ છે.

સીઆરપીએફએ કાશ્મીર ખીણમાં જવાનોની રજાઓ કેન્સલ કરી છે. જે રજા પર છે તેને પાછા બોલાવવામાં આવી રહ્યા છે.

(10:41 am IST)