Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

માત્ર ૧૦૦ ઠગબાજોએ બેન્કોના દબાવી રાખ્યા છે ૪.૫૦ લાખ કરોડ

રીઝર્વ બેન્કે જાહેર કરી વિગતોઃ જો કે ઠગબાજોના નામ આપવા ઈન્કાર કર્યોઃ કુલ એનપીએના ૫૦ ટકા આ ૧૦૦ ઠગબાજોના નામે બેન્કોમાં બોલે છેઃ સુપ્રીમ કોર્ટના આદેશ છતા રીઝર્વ બેન્કનો નામો જાહેર કરવાનો નનૈયોઃ હવે સુપ્રીમ કોર્ટ રીઝર્વ બેન્ક સામે માનહાની હેઠળની કાર્યવાહી કરશે ? ઉઠતા સવાલો

નવી દિલ્હી, તા. ૩ :. બેન્કોનું એનપીએ ભારતીય અર્થવ્યવસ્થા પર મોટો બોજો બની રહ્યુ છે. એનપીએ એટલે કે વ્યકિત કે કંપની લોન લીધા બાદ બેન્કને પરત કરવામાં નિષ્ફળ રહે તો તેને એનપીએ કહેવાય છે. ભારતમાં કુલ એનપીએના ૫૦ ટકા હિસ્સો એટલે કે લગભગ સાડા ચાર લાખ કરોડ રૂપિયાની રકમ ટોચના ૧૦૦ લોકો પાસે લેવાની રહેશે એટલે કે તેમની પાસે બાકી છે. આરટીઆઈ હેઠળ આ માહિતી બહાર આવી છે જે ધ વાયરમાં પ્રસિદ્ધ થઈ છે.

ધ વાયરના જણાવ્યા પ્રમાણે રીઝર્વ બેન્કે જણાવ્યુ છે કે ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધીમાં ટોચના ૧૦૦ લોકોને કારણે ૪,૪૬,૧૫૮ કરોડ રૂપિયાનુ એનપીએ પેન્ડીંગ છે. સરળ શબ્દોમાં કહીએ તો ટોચના ૧૦૦ ઉધાર લેનારાઓએ બેન્કોના લગભગ ૪.૫૦ લાખ કરોડ દબાવી રાખ્યા છે. જો કે રીઝર્વ બેન્કે એ માહિતી આપવાનો ઈન્કાર કર્યો કે લોન લેનારા આ ટોચના ૧૦૦ લોકો કોણ છે ?

અંગ્રેજી વેબસાઈટના રીપોર્ટ અનુસાર ૫ ફેબ્રુ. ૨૦૧૯ના રોજ તત્કાલીન નાણામંત્રીએ રાજ્યસભામાં માહિતી આપી હતી કે ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધીમાં કોમર્શિયલ બેન્કોનો એનપીએનો આંકડો ૧૦,૦૯,૨૮૬ કરોડ રૂપિયા હતો. આમાથી સરકારી બેન્કોનું એનપીએ ૮,૬૪,૪૩૩ કરોડ રૂપિયા હતું.

અત્રે એ નોંધનીય છે કે ૨૬ એપ્રિલ ૨૦૧૯ના રોજ સુપ્રિમ કોર્ટે રીઝર્વ બેન્ક દ્વારા ડીફોલ્ટર્સની માહિતી જાહેર કરવાનો ઈન્કાર કરવા સાથે જોડાયેલ માનહાની નોટીસ પર સુનાવણી કરી હતી. અદાલતે રીઝર્વ બેન્કની ટીકા કરતા તેને પોતાની પારદર્શિતા સાથે જોડાયેલા દિશાનિર્દેશોનો સારી રીતે ઉપયોગ કરવા આદેશ કર્યો હતો. સાથોસાથ આની માહિતી લોકોને પણ કહ્યુ હતું. અદાલતે કહ્યુ હતુ કે, આ રીઝર્વ બેન્ક પાસે અંતિમ તક છે અને જો બેન્ક હવે માહિતી આપવાનો ઈન્કાર કરશે તો તેની વિરૂદ્ધ માનહાનીના કેસમાં કાર્યવાહી થશે.

બીજી તરફ રીઝર્વ બેન્કે ધ વાયર તરફથી દાખલ આરટીઆઈ પર પ્રતિક્રિયા આપતા ૧૦૦ ટોચના ઉધાર લેનાર લોકો વિશેની માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. ઉધાર લેનારાના નામ, રકમ, કયા વ્યાજદરે લોન લીધી છે ? વગેરેની માહિતી માગવામાં આવી છે. રીઝર્વ બેન્કે કહ્યુ છે કે આ પ્રકારની માહિતી ઉપલબ્ધ નથી.(૨-૭)

(11:31 am IST)