Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સ્ટેટ GSTમાં બે મહિનામાં રિટર્ન ફાઈલ નહીં કરનાર ૭૦ હજારથી વધુ વેપારીઓના રજિસ્ટ્રેશન રદ કરાયા

છેલ્લાં બે વર્ષમાં કરેલ વેચાણની ક્રેડિટ રદ થવાની પણ શક્યતા

અમદાવાદ : સ્ટેટ GSTમાં છેલ્લાં બે મહિના દરમિયાન રિટર્ન ફાઈલ નહીં કરનાર ૭૦ હજારથી વધુ વેપારીઓના રજિસ્ટ્રેશન રદ કરાયા છે. આ પ્રકારે રજિસ્ટ્રેશન રદ થયેલ વેપારીઓ ઈ- વે બિલ જનરેટ નહીં કરી શકતા તેમના ખરીદ- વેચાણના વ્યવહારો ઠપ્પ થઈ ગયા છે. આ વેપારીઓ, આવશ્યક ફી, વ્યાજ અને દંડ ભરે પછી તેમના રજિસ્ટ્રેશન પુનઃ એક્ટિવેટ કરાશે. અધિકારીઓએ વેપારીઓને નોટિસો આપી છે.

   અત્રે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સમાં દર મહિને રિટર્ન ફાઈલ કરવું ફરજિયાત છે. સતત બે મહિના રિટર્ન ફાઈલ નહીં કરનાર અને ટેક્સ નહીં ભરનાર વેપારીઓને ઈ- વે બિલ જનરેટ નહીં કરવા દેવાનો GST કાઉન્સિલે નિર્ણય કર્યો છે અને તેનો અમલ કરાઈ રહ્યો છે.

  અમદાવાદમાં છેલ્લાં બે મહિનાથી રિટર્ન ફાઈલ નહીં કરનાર ૭૦ હજારથી વધુ વેપારીઓના રજિસ્ટ્રેશન રદ કરાયા છે. આમ આ વેપારીઓ હવે કોઈ પ્રકારના વ્યવહારો કરી શકશે નહીં તેમજ છેલ્લાં બે વર્ષમાં કરેલ વેચાણની ક્રેડિટ રદ થવાની પણ શક્યતા છે.

GST અધિકારીઓએ આ વેપારીઓને નોટિસો આપીને રિટર્ન ભરવા, ચલણો સહિતના ડોક્યુમેન્ટ રજૂ કરવા, ટેક્સ ભરવા અને રિટર્ન ફાઈલ કરી દેવા તાકીદ કરાઈ છે. આમ, આ વેપારીઓ જરૃરી ડોક્યુમેન્ટ સુપરત કરવા સહિતની ઔપચારિકતા પૂર્ણ કરે પછી જ તેમના રજિસ્ટ્રેશન નંબર ફરીથી એક્ટિવેટ કરાશે. જૂન મહિનાનું GSTR- ૩B તા. ૨૦ જુલાઈ સુધીમાં ફાઈલ કરવાનું રહેશે.

(11:20 am IST)