Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

મોદી-યોગી સરકાર વચ્ચે મતભેદ?

કેન્દ્ર સરકારે OBC અંગે યોગી સરકારના નિર્ણયને અયોગ્ય ઠેરવતા ખળભળાટ

નવી દિલ્હી, તા.૩: કેન્દ્રએ મંગળવારે કહ્યું કે, ઉત્તર પ્રદેશની બીજેપી સરકારે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર, અન્ય પછાત વર્ગમાં સામેલ ૧૭ જાતિઓને અનુસુચિતની લિસ્ટમાં સામેલ કરવી જોઈતી ન હતી. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે રાજયસભામાં શૂન્યકાળ દરમિયાન કહ્યું કે, આ ઉચિત નથી અને રાજય સરકારને આવું કરવું જોઈતું ન હતું.

શૂન્યકાળમાં આ મુદ્દો બીએસપીના સતીશચંદ્ર મિશ્રએ ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે, અન્ય પછાત વર્ગમાં સામેલ ૧૭ જાતિઓને અનુસુચિત જાતિમાં સામેલ કરવાના ઉત્ત્।ર પ્રદેશ સરકારનો નિર્ણય અસંવૈધાનિક છે. કેમ કે, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની સૂચિમાં બદલાવ કરવાનો અધિકાર ફકત સંસદને છે.

આ મામલે ગેહલોતે કહ્યું કે, કોઈપણ સમુદાયને એક વર્ગમાંથી હટાવી બીજા વર્ગમાં સામેલ કરવાનો અધિકાર ફકત સંસદને છે. તેઓએ કહ્યું કે, પહેલાં પણ આ પ્રકારના પ્રસ્તાવ સંસદને મોકલાયા છે, પણ સહમતિ બની શકી ન હતી. ગેહલોતે કહ્યું કે, રાજય સરકારને પ્રક્રિયાનું પાલન કરવું જોઈતું હતું, નહીંતર આ પ્રકારનાં મામલા કોર્ટ સુધી પહોંચી શકે છે.

જણાવી દઈએ કે, હાલમાં જ ઉત્ત્।ર પ્રદેશની યોગી સરકારે ૧૭ અતિ પછાત જાતિઓને અનુસુચિત જાતિમાં સામેલ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. તેમાં ૧૭ જાતિઓમાં કહાર, કશ્યપ, કેવટ, મલ્લાહ, નિષાદ, કુમ્હાર, પ્રજાપતિ, ધીવર, બિન્દ, ભર, રાજભર, ધીમર, વાથમ, તુરહા, ગોડિયા, માંઝી અને માછીમાર સામેલ છે. જો કે, યોગી સરકાર પહેલાં મુલાયમ સિંહ અને અખિલેશ યાદવે પણ આ જાતિઓને અનુસુચિત જાતિમાં સામેલ કરવાની દિશામાં પગલું ભર્યું હતું.

(11:36 am IST)