Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ભારતીય સૈન્યને મોટી સફળતાઃ દક્ષિણ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં બુરહાન વાનીનો બ્રિગેડ કમાન્ડર લતીફ અહેમદ ડાર સહિત ૩ આતંકવાદીઓનો ખાત્મો

શ્રીનગર તા. ૩: દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઈમામ સાહેબ ગામમાં થયેલા સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ૩ આતંકીઓ ઠાર થયા છે. આ એન્કાઉન્ટરમાં બુરહાન વાનીના બ્રિગેડ કમાંડર લતીફ અહેમદ ડાર એટલે કે લતીફ ટાઈગર ઠાર મરાયો છે. લતીફની સાથે આતંકી સંગઠન હઝિબુલ મુઝાહીદ્દીનના બે આતંકીઓ પણ ઠાર મરાયા છે. હવે લતીફની મોતની સાથે જ બુરહાન ગેંગનો ખાતમો થઈ ગયો છે. માર્યા ગયેલા આતંકીઓની ઓળખાણ હીઝબુલ કમાંડર લતીફ અહેમદ ડાર ઉર્ફે લતીફ ટાઈગર, તારિક મૌલવી અને શરિક અહેમદ નેગરું તરીકે થઈ છે.

તમામ આતંકી એક ત્રણ માળની ઈમારતમાં છુપાયેલા હતા, જ્યાંથી તેઓ સતત સુરક્ષાબળો પર ફાયરિંગ કરી રહ્યાં હતા. સુરક્ષાબળોને ગામમાં આતંકીઓ છુપાયા હોવાની ગુપ્ત જાણકારી મળી હતી. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતા. પુલવામાનો રહેવાસી લતીફ ૨૦૧૪થી આતંકી પ્રવૃત્તિઓમાં જોડાયેલો હતો.

ગુરુવારે મોડી રાતે સુરક્ષાબળોએ ગામને ઘેરી લીધું હતું. જે જગ્યાએ આતંકીઓ છુપાયેલા છે ત્યાં જ સુરક્ષાબળોએ ફાયરિંગ કર્યું છે. આતંકીઓએ પણ જવાબમાં ગોળીબાર શરૃ કર્યો હતો. પહેલા સુરક્ષાબળોએ આતંકીઓની સંખ્યા અંગે વધારે માહીતી ન હતી.

સેનાના અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટર દરમિયાન સ્થાનિક નાગરિકોએ સુરક્ષાબળો પર પત્થરમારો પણ કર્યો હતો. પત્થરબાજોને ખસેડવા માટે જવાનોએ પેલેટ ગનનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન બે નાગરિકોને સામાન્ય ઈજા પણ પહોંચી હતી. અફવાઓ કે ખોટી માહતિી બહાર ન જાય તે માટે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સુવિધાઓ બંધ કરી દેવાઈ હતી. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં યુદ્ધ જેવી સ્થિતી દરમિયાન ઉપયોગમાં લેવાતા હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી.

બુરહાન વાની આર્મી અને ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બન્યો હતો. જેથી બુરહાન વાની પર ૧૦ લાખનું ઈનામ હતું. તે યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પ્રેરતો હતો. ઙ્ગ૮ જુલાઈ ૨૦૧૬ના રોજ અનંતનાગ જિલ્લાના કોકરનાગ ગામમાં સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં કાશ્મીરનો મોસ્ટ વોન્ટેડ આતંકી બુરહાન સહતિ ૩ આતંકીઓને ઠાર મરાયા હતા.તે સમયે સ્થાનિક લોકોએ આ એન્કાઉન્ટર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

(5:03 pm IST)