Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

હવે પાકિસ્તાનને 'બ્લેકલિસ્ટ' કરાવવા તૈયારી

પ્રતિબંધોની બેડીમાં જકડાઇ જશે પાડોશી દેશ

નવી દિલ્હી તા. ૩ : જૈશ-એ-મહમ્મદના સરદાર મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયા પછી ભારત હવે પાકિસ્તાનને ઘેરવા માટે નવી યોજના બનાવી રહ્યું છે. મસૂદ પછી હવે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરવાની તૈયારીઓ ભારતે શરૂ કરી દીધી છે.

નાણાપ્રધાન અરૂણ જેટલીએ ગઇકાલે કહ્યું કે, ભારત આંતરરાષ્ટ્રીય મની લોન્ડ્રીંગ એન્ડ ટેરર ફાઇનાન્સ વોચ ડોગને પાકિસ્તાનને એવા દેશોની યાદીમાં મુકવાનું કહેશે, જે નાણાકીય ગુન્હાઓ રોકવામાં આંતરરાષ્ટ્રીય માપદંડોની જાળવણી નથી કરતા. ટેરર ફંડીંગ પર નજર રાખતી ફાઇનાન્સીયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને પહેલા જ આવી યાદીમાં મુકી દીધેલ છે.  આ યાદીમાં એવા દેશોને રખાય છે જે મની લોન્ડ્રીંગ અને આતંકવાદીઓના ફંડીંગ પર અંકુશ મુકવા માટે પુરતા પગલાઓ નથી લેતા. જેટલીએ પત્રકારોને કહ્યું 'અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન એટીએફના લીસ્ટમાં નીચે હોય. પેરિસ સ્થિત એફએટીએફની બેઠક આગામી દિવસોમાં થવાની છે અને ત્યારે ભારત આ અંગે અનુરોધ કરશે.'

ભારતની આ યોજનાનો આભાસ પાકિસ્તાનને થઇ ચૂકયો છે, આજ કારણ છે કે ગયા મહિને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને ગયા મહીને કહ્યું હતું કે, ભારત ઇચ્છે છે કે પાકિસ્તાનને બ્લેક લીસ્ટ કરવામાં આવે, આવું થશે તો પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લાગી શકે છે.

(12:19 pm IST)