Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પવિત્ર અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું ઓનલાઇન બુકિંગ શરૂ થતાં જ ૧૦ દિવસની ટિકિટ વેચાઇ ગઇ

યાત્રા પહેલી જુલાઇથી શરૂ થશે અને ૧૫ ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે

જમ્મુ તા. ૩ : અમરનાથ યાત્રા માટે હેલિકોપ્ટરનું ઓનલાઇન બુકિંગ શરૂ થતા જ ૧૦ દિવસની ટિકિટ વેચાઇ ગઇ છે. આ ઉપરાંત શ્રાઇન બોર્ડ હવે શ્રદ્ઘાળુઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપવા જઇ રહ્યું છે, જેને ૨૦૧૩માં બંધ કરી દેવામાં આવી હતી.

અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી યાત્રીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધામાં ભકતો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જેમાં તેઓ જરૂરી જાણકારીની સાથે ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકે છે. યાત્રા દરમિયાન બાલતાલ/ દોમેલ અને નુનવાન/ પહેલગામ/ ચંદનવાડી બેઝ કેમ્પ પર હેલ્થ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે. યાત્રીઓના રિસ્પોન્સ બાદ ઓનલાઇન સેવાને વધારવામાં આવશે.

અમરનાથ યાત્રા માટે બુધવારથી હેલિકોપ્ટર સેવાનું ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. પહેલા દિવસથી જ શ્રદ્ઘાળુઓમાં ઓનલાઇન બુકિંગ માટે ભારે ઉત્સાહ નજર આવ્યો હતો. હેલિકોપ્ટર સેવા આપવાવાળી કંપનીઓની પહેલા દસ દિવસની ટિકિટ કેટલાક કલાકમાં જ વેચાઇ ગઇ હતી. ઓનલાઇન બુકિંગ સેવા સવારે દસ વાગ્યાથી શરૂ થઇ હતી.

૧૫ જુલાઇ બાદ દરેક દિવસની થોડી ટિકિટ જ ઉપલબ્ધ છે. બોર્ડના જણાવ્યા અનુસાર જેની પાસે હેલિકોપ્ટરની ટિકિટ હશે, તેને અગાઉથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. યાત્રા પહેલી જુલાઇથી શરૂ થશે અને ૧૫ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે. નીલગ્રથ-પંજતરણીથી પ્રતિ વ્યકિત એક તરફી હેલિકોપ્ટર ભાડું ૧૮૦૪ રૂપિયા અને પહેલગામ-પંજતરણીથી ૩,૧૦૪ રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે.

(10:07 am IST)