Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કોંગ્રેસ પાર્ટી તો કિનારે લાગી ચુકી : અરુણ જેટલીનો દાવો

પ્રિયંકા વાઢેરાની પ્રતિક્રિયા નિરાશા દર્શાવે છે : કોંગ્રેસે પોતે નબળા ઉમેદવારો હોવાની વાત સ્વીકારી છે

નવી દિલ્હી, તા. ૨ : ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવાર તરફથી ભાજપના વોટ કાંપવાના પ્રિયંકા ગાંધી વાઢેરાના નિવેદન પર નાણામંત્રી અરુણ જેટલીએ આજે સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી. અરુણ જેટલીએ નિવેદન કરતા કહ્યું હતું કે, પ્રિયંકા વાઢેરાના નિવેદનથી સ્પષ્ટ થઇ જાય છે કે, કોંગ્રેસ પાર્ટી તો મેદાનમાં નથી. તેમના નિવેદનથી એવું પણ લાગી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી કિનારે લાગી ચુકી છે. જેટલીએ નિવેદન કરતા કહ્યું હતું કે, પ્રિયંકા વાઢેરાનું નિવેદન એકરીતે આ બાબતનો સ્વીકાર કરે છે કે, કોંગ્રેસ પાર્ટી ચૂંટણી મેદાનમાં દેખાતી નથી. ભાજપના નેતાએ કોંગ્રેસ નેતાઓને ચૂંટણી હિન્દુ તરીકે ઘોષિત કરતા કહ્યું હતું કે, આ લોકોએ આ પહેલાની ચૂંટણીમાં પણ કેટલીક રણનીતિ અપનાવી હતી. દાંવપેચ રમ્યા હતા. આ વખતે કોંગ્રેસી નેતાઓને મંદિરોમાં ફરવાની ફરજ પડી છે. જેટલીએ પ્રિયંકા ગાંધી વાઢેરાના નિવેદન ઉપર આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પ્રિયંકા કહી ચુક્યા છે કે, કોંગ્રેસે એવા ઉમેદવારની પસંદગી કરી છે જે નહીં જીતે તો પણ ભાજપના મતને વિભાજન કરવાનું કામ કરશે. આ જેટલીએ કહ્યું હતું કે, પ્રિયંકાએ આ બાબતને સ્વીકારી લીધી છે કે, કોંગ્રેસ પાર્ટીની હાલત કફોડી છે. એક મુખ્ય ધારાની સૌથી મોટી અને જુની પાર્ટી કોંગ્રેસ હવે ભારતીય રાજનીતિમાં કિનારે પહોંચી ચુકી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, ૨૦૦૯ની ચૂંટણીને છોડી દેવામાં આવે તો જવાહરલાલ નહેરુના દોરમાં ૩૦૦થી ૪૦૦ સીટ જીતનાર કોંગ્રેસ રાજીવ ગાંધીના સમય ગાળામાં ૧૩૦ સુધી પહોંચી તી અને હવે ૪૦થી ૭૦ સીટો સુધીની પાર્ટી બની ચુકી છે. કોંગ્રેસ પાર્ટીની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. પ્રિયંકા વાઢેરાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વ્યૂહરચનાના ભાગરુપે કોંગ્રેસ પાર્ટીએ ઘણી જગ્યાઓએ કમજોર ઉમેદવાર ઉતાર્યા છે જે ભાજપના મત કાપશે.

 

(12:00 am IST)