Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

કોરોનાની બીજી લહેર એપ્રિલમાં આખા દેશમાં હાહાકાર મચાવશે

કોરોના વાયરસ તેના પીક પર પહોંચશે અને આખા દેશમાં હાહાકાર મચાવશે

નવી દિલ્હી, તા.૩: દેશમાં કોરોના સંક્રમિત આંકડો હવે દરરોજ ૯૦ હજારની આસપાસ પહોંચી ગયો છે. કોરોનાના વધી રહેલા કેસોને જોતો લોકો ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ કોરોના અંગે અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માર્ચ માં જોવા મળેલા કેસ માત્ર ઝલક હતી. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે એપ્રિલમાં કોરોના વાયરસ તેના પીક પર પહોંચશે અને આખા દેશમાં હાહાકાર મચાવશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એપ્રિલ પછી દેશમાં ફરીથી કોરોના વાયરસના કેસ ઘટના વાગશે.૧૧ રાજયોના મુખ્ય સચિવો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં શુક્રવારે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ કહ્યુ કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કોરોનાની ઝડપ ખૂબ વધારે છે. બેઠકમાં કહેવામાં આવ્યું કે ગત વર્ષે જૂનમાં કોરોનાની ઝડપ ૫.૫ ટકા હતી, જે આ વર્ષે માર્ચમાં ૬.૮ ટકા હોવાનું સામે આવ્યું છે.

દેશમાં સૌથી વધારે કેસ ૧૧ રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, ચંદીગઢ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને હરિયાણામાં કોરોનાની સ્થિતિ ખૂબ ખરાબ છે. છેલ્લા ૧૫ દિવસમાં આ રાજયોમાં કોરોનાનું ૯૦ ટકા સંક્રમણ અને મોત નોંધાયા છે. અનેક રાજયમાં કોરોનાની સ્થિતિ ગત વર્ષે કરતા ખૂબ ખરાબ છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોરોનાના કેસ ૯૭ હજારને પાર કરી ગયા હતા. આ વર્ષે એપ્રિલની શરૂઆતમાં જ કોરોનાના દૈનિક નવા કેસ ૯૦ હજારની આસપાસ પહોંચી ગયા છે. સંક્રમણમાં દૈનિક વૃદ્ઘિ ૫.૫ ટકા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી હાલત સૌથી વધારે ખરાબ છે.વૈજ્ઞાનિકોએ એક ગણિતના મોડલથી અંદાજ લગાવ્યો છે કે એપ્રિલના મધ્યમાં કોરોનાની ઝડપ સૌથી વધારે હશે. એપ્રિલમાં કોરોનાની બીજી લહેર જોવા મળશે તેમજ મેના અંત સુધીમાં તેમાં ખૂબ ઘટાડો થશે. ગત વર્ષે આ મોડલના માધ્યમથી કોરોનાના પીકનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આ અંદાજ સાચો સાબિત થયો હતો.મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં ૨૪ કલાકમાં નવા ૪૭,૯૧૩ કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં હાલ ૩,૯૧,૨૦૩ એકિટવ કેસ છે. આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ હજાર લોકો સાજા થયા છે. મોતની વાત કરવામાં આવે તો અહીં ૨૪ કલાકમાં ૪૮૧ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૫૫,૩૭૯ લોકોનાં મોત થયા છે.

(2:59 pm IST)